અમદાવાદના એસજી હાઇવે નજીક મેફેડ્રોન ડ્રગ્સ વેચતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ શખ્સ કાજીમ અલી ઉર્ફે મુન્નુ બાપુ પાસેથી 3.71 લાખના એમડી ડ્રગ સાથે રોકડ અને મોબાઈલ પણ કબજે કરાઈ હતી. જેથી સમગ્ર મામલે પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં યુવાનોમાં ડ્રગ્સ સેવનનું પ્રમાણ વધ્યું છે. સાથે જ પોલીસ પણ NDPS એક્ટ હેઠળ ઝડપથી કાર્યવાહી કરી ડ્રગ્સના દૂષણને અટકાવવા પ્રયત્નશીલ છે. ત્યારે અમદાવાદના સરખેજ એસજી હાઇવે નજીક કન્સ્ટ્રક્શન સાઇટની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક શખ્સ ખુલ્લામાં ડ્રગ્સ વેચતો હોવા અંગે ઝોન 7 એલસીબી ટીમને ચોક્કસ માહિતી મળતા ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી કાજીમ અલી ઉર્ફે મુન્નુ બાપુ સૈયદ પાસેથી પોલીસને 31.140 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપી પાસેથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત 3.71 લાખથી વધુની અંદાજવામાં આવે છે. જે ડ્રગ્સનો જથ્થો પોલીસ કબજે કરી આરોપી પાસેથી ₹14,670 રોકડ, બે મોબાઈલ ફોન અને વજન કાંટાની સાથે ડ્રગ્સ છૂટકમાં વેચવા ઉપયોગમાં લેવાતી જીપર પર પણ કબજે કરવામાં આવી હતી. હાલ આરોપી વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી કાજીમ અલી ઉર્ફે મુન્નુ બાપુ સૈયદ MD ડ્રગ્સ ક્યાંથી મંગાવતો હતો અને છેલ્લા કેટલા સમયથી આ કારોબારમાં સંડોવાયો હતો તે અંગે પૂછપરછ કરાશે. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલાંક મહત્વના ખુલાસા થયા હતા કે પકડાયેલા આરોપી કાજીમ અલી ઉર્ફે મુન્નુ બાપુ સૈયદ આગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચના હાથે વર્ષ 2023માં ડ્રગ્સના કારોબારમાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે શાહપુર અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590