ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત વેસુ DRB કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત,મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટ ડાઉનના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. વહેલી સવારે ખુશનુમા માહોલમાં ૧૦ હજારથી વધુ શહેરીજનો યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. યોગ હવે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિના દૂત તરીકે સુવિખ્યાત છે. ઋષિમુનિઓએ યોગનું જ્ઞાન આપણને ભેટરૂપે આપ્યું છે, યોગ એ Fat to Fit બનવાનો માર્ગ છે. યોગ અને પ્રાણાયામ એ માત્ર શારીરિક-માનસિક કસરત નહીં, પરંતુ મન, શરીર અને આત્મા સાથે સંવાદ સ્થાપિત કરવાની પદ્ધતિ છે.
તેમણે વધુમાં કહ્યું કે, યોગને જીવનશૈલીનો ભાગ બનાવીશું તો ગુજરાત મોટાપામુક્ત,ડાયાબિટીસ,બ્લડ પ્રેશર,ઘૂંટણના દુ:ખાવાથી મુક્ત અચૂક બનશે. આગામી સમયમા રાજ્ય સરકાર મેદસ્વિતામુક્ત ગુજરાત સંદર્ભે એપ્લિકેશન લોન્ચ કરશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર વર્ષ મેદસ્વિતામુક્ત ગુજરાતની ઉજવણી કરવામાં આવશે.
જેમાં એક સ્વસ્થ વ્યક્તિ અન્ય દસ વ્યક્તિઓને પ્રેરિત કરે તો આવનાર સમયમાં મેદસ્વિતામુક્ત ગુજરાતનો સંકલ્પ સિદ્ધ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને માનવ જીવનમાં બદલાવ લાવવા યોગને અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીએ વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત થવા તેમજ નિયમિત યોગાભ્યાસ કરવાની હિમાયત કરી હાયપર ટેન્શન, મેદસ્વિતા નિવારણ તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી ઊર્જામય જીવન તરફ અગ્રેસર બનવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરતા શિશપાલજી તથા રાજ્ય યોગ બોર્ડના સભ્યોએ યોગ અને પ્રાણાયામની કોમન પ્રોટોકોલ તાલીમ આપી નિયમિત વ્યાયામ, તણાવમુક્તિ માટે ધ્યાન, કામના ભારણ સાથે યોગ જેવા વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું. યોગસાધકો સાથે સર્વે મહાનુભાવોએ પણ યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, મનપાના ડે.કમિશનર દિનેશ ગુરવ, ડે. કમિશનર મીનાબેન ગજ્જર,કોર્પોરેટર બળવંતભાઈ,પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી, સ્ટેટ કોર્ડિનેટર દિનેશ ત્રિવેદી,ઝોન કોર્ડિનેટર પ્રીતિ પાંડે,મનપાના સોલિડ વેસ્ટ વિભાગના કોર્ડિનેટર પારૂલ પટેલ,ઝોન કોર્ડિનેટર અજીત પટેલ સહિત મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590