Latest News

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

Proud Tapi 18 Apr, 2025 07:11 AM ગુજરાત

              

               રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક વિભાગીય કચેરી, મોલવણ,મોટા બોરસરા અને પીપોદરા
પેટા વિભાગીય કચેરી, કડોદરા-૧ અને કડોદરા ઈન્ડ.પેટા વિભાગીય કચેરીઓના મકાનોનું

                                                                 લોકાર્પણ

             રાજ્ય સરકાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રસ્થાને: નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

            વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાત રિન્યુએબલ એનર્જીમાંથી જરૂરિયાતના ૫૦ ટકા વીજળી ઉત્પન્ન કરનારૂ રાજ્ય બની રહેશે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

           ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોના સ્થાનિક વીજ ગ્રાહકોને નવીન કચેરીઓથી સુવિધા ઉભી થશે અને વીજ સેવાઓ મળશે

          નાણા અને ઉર્જા મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે માંગરોળ તાલુકાના લિંડયાતથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની રૂ.નવ કરોડના ખર્ચે છ જેટલી કચેરીઓના નવા ભવનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કીમ વિભાગીય કચેરી, મોલવણ, મોટા બોરસરા અને પીપોદરા પેટા વિભાગીય કચેરી, કડોદરા-૧ અને કડોદરા ઈન્ડ.પેટા વિભાગીય કચેરીઓનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોના સ્થાનિક વીજ ગ્રાહકોને નવીન કચેરીઓના કારણે સુવિધા ઉભી થશે અનેવીજ સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.
        માંગરોળ તાલુકાના લિંડયાત સબ-સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રસ્થાને ચાલી રહી છે. ગુજરાતે સૌર અને પવન ઉર્જા સેક્ટરમાં સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની નહિવત વીજ લોસ ધરાવે છે. આ તકે તેમણે સ્માર્ટ મીટરની ઉપયોગિતા જણાવીને સ્માર્ટ મીટર પોતાના ઘરો પર અવશ્ય નંખાવવા અનુરોધ કર્યો હતો.
      આ અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની માથાદીઠ વીજવપરાશ ૧૧૭૩ યુનિટ છે, જેની સામે ગુજરાતનો વીજ વપરાશ ૨,૪૭૯ યુનિટ સાથે સૌથી વધુ છે. ૨૦૩૦ સુધીમાં ગુજરાત રિન્યુએબલ એનર્જીમાંથી જરૂરિયાતના ૫૦ટકા વીજળી ઉત્પન્ન કરનારૂ રાજ્ય બની રહેશે. આવનારા ૫૦ વર્ષોની વીજ માંગની જરૂરિયાતને ધ્યાને લઇ ગુજરાત આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સતત વીજ પુરવઠો મળી રહે તે માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૧ કેવીની લાઈનો અંડરગ્રાઉન્ડ થઈ ચૂકી હોવાનું તેમણે કહ્યું હતું.
     માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે,કીમ કોસંબામાં વિસ્તારમાં બે હજારથી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમને સાતત્યપુર્ણ વીજળી મળી રહે તે માટે સરકારે પાંચ જેટલી કચેરીઓના મકાનોનું નિર્માણ કર્યું છે. કિમ વિસ્તારની ઈન્ડસ્ટ્રીઝને વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૩૬ કરોડ મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.
    નોંધનીય છે કે, ભાડાના મકાનમાં કાર્યરત એવી કીમ ઔદ્યોગિક વિભાગીય કચેરી, પીપોદરા-મોટા બોરસરા- મોલવણ પેટા વિભાગીય કચેરીઓના નવા અદ્યતન ભવનોનું રૂ.૭.૦૨ કરોડના ખર્ચે ૩૨૩૭.૭૭ ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
    ભાડાના મકાનમાં કાર્યરત કડોદરા-૧ પેટા વિભાગીય કચેરી તથા કડોદરા ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરીના નવા અદ્યતન ભવનનું રૂ.૧ કરોડ ૯૧ લાખના ખર્ચે ૭૮૧.૭૬ ચો.મી. બિલ્ટઅપ એરિયામાં નિર્માણ કરવામાં આવ્યું છે.
    આ નવીન કચેરીઓમાં વિજલક્ષી સેવાઓ અર્થે આવતા વિજગ્રાહકોને, પાર્કિંગ, બેસવા માટેની વ્યવસ્થા, પીવાના પાણીની જેવી પાયાની સુવિધાઓ મળી રહેશે.
     આ પ્રસંગે ગુજરાત ઊર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, ભારત સરકારની આરડીએસેસ યોજના હેઠળ રૂ.૨૦ હજાર કરોડના વીજ લાઈનો, સ્માર્ટ મીટર સહિતના કામો થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના વીજવિક્ષેપ વિના ગ્રાહકોને વીજળી મળી રહે તે માટે રાજયની ચારેય વીજ કંપનીઓ કાર્ય કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
     આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, DGVCL ના એમ.ડી. યોગેશ ચૌધરી, અધિક્ષક ઇજનેર સુરતી, કિમ કડોદરા ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post