હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાંથી શિયાળાએ હવે વિધિવત વિદાય લઇ લીધી છે. હવે રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે જતાં કાળઝાળ ગરમી અનુભવાશે. તો આ પાડોશી રાજ્યોમાં વરસાદનું અનુમાન છે.
છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 32થી પાર જતાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાંથી શિયાળાએ હવે વિધિવત વિદાય લઇ લીધી છે. હવે રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે જતાં કાળઝાળ ગરમી અનુભવાશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી 7 દિવસમાં તાપમાનમાં વધારો થશે. 5 શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 36.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાઈ શકે છે. એક બાજુ ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક વિસ્તારમાં વરસાદ તો હિમવર્ષોનો પ્રકોપ પણ જોવા મળીરહ્યો છે.
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર NCRમાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે. શનિવારે સવારે દિલ્હી-NCRમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન ઉંચુ હતું, તેથી વરસાદથી લોકોને મોટી રાહત મળી છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સમગ્ર ઉત્તર ભારતમાં હવામાને પલટો જોવા મળી રહ્યો છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે.
હિમાચલમાં ભારે હિમવર્ષા અને વરસાદ, ઘણા રસ્તાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં શુક્રવારે ભારે હિમવર્ષા અને વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. અનેક મુખ્ય માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ છે. રાજ્યભરમાં લગભગ 200 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં સતત ત્રીજા દિવસે હિમવર્ષા અને વરસાદને કારણે હાઈવે પરની અવરજવર ઠપ થઈ ગઈ છે. ચંબા અને મનાલીમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
દેશના પહાડી વિસ્તારોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીં માર્ચમાં જાન્યુઆરી જેવી હિમવર્ષા થઇ રહી છે. ખાસ કરીને જમ્મૂ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદની સાથે બરફવર્ષા થતા જનજીવન પ્રભાવિત થયું છે. જન્મુ કાશ્મીરની જેમ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે અહીં ભૂતનાથ નાળા વિસ્તારમાં વાહનો તણાયા હતા. વરસાદના કારણે શિમલા, કિન્નોર અને લાહૌલ સ્પિતિ પ્રભાવિત થયા છે. ડોડા અને ભલેસામાં 36 કલાકથી અવિરત બરફવર્ષા વરસી રહી છે. બરફવર્ષાની સાથે ભાર વરસાદથી નદીઓ ભયજનક સપાટી પરથી વહી રહી છે.
પંજાબ-હરિયાણાના ભાગોમાં વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે બંને રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં આ સમયગાળા દરમિયાન 10.9 મીમી વરસાદ નોંધાયો છે. પંજાબમાં અમૃતસરમાં 17.5 મીમી, લુધિયાણામાં 5.8 મીમી, પટિયાલામાં 7.2 મીમી, ભટિંડામાં 1 મીમી, ફરીદકોટમાં 6.1 મીમી, ગુરદાસપુરમાં 20.7 મીમી, ફિરોઝપુરમાં 10.5 મીમી, હોશિયારપુરમાં 20.5 મીમી અને મોહાલીમાં 33 મીમી વરસાદ નોંધાયો છે. હરિયાણામાં અંબાલામાં 6.2 મીમી, હિસારમાં 2.8 મીમી, કરનાલમાં 4 મીમી અને રોહતકમાં 0.6 મીમી વરસાદ નોંધાયો છે. ચંદીગઢ સહિત બંને રાજ્યોમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાનમાં ગુરુવારની સરખામણીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
રાજસ્થાનમાં હળવા વરસાદની શક્યતા
આજે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. જયપુર હવામાન કેન્દ્રના પ્રભારી રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં દબાણ પ્રણાલીના પ્રભાવને કારણે શુક્રવારે બિકાનેર, જોધપુર, જયપુર, ભરતપુર વિભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ અને તેજ પવનની શક્યતા છે. તેમણે કહ્યું કે, શનિવારે પણ જયપુર, ભરતપુર વિભાગ અને શેખાવતી ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે અને બાકીના મોટાભાગના ભાગોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590