પ્રાઉડ તાપી - વ્યારા : તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ફરી એકવાર મોટી અને સનસનાટીપૂર્ણ કાર્યવાહી કરી છે. ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશનના ઇન્ચાર્જ સ્ટેશન પ્રબંધક કૈલાશચંદ્ર બાલુરામ મીનાને ACBએ ₹૨,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACBના આ સપાટાથી તાપી જિલ્લાના સરકારી વર્તુળોમાં અને ખાસ કરીને રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.
જાણો શું છે સમગ્ર લાંચકાંડ?
પ્રાપ્ત વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ACBને કૈલાશચંદ્ર બાલુરામ મીના વિરુદ્ધ લાંચ માંગણી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, રેલવેમાં લોકો પાયલટ અને ગાર્ડના અધિકારીઓ/કર્મચારીઓનું જમવાનું બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા કે પેટા કોન્ટ્રાક્ટરોને આક્ષેપિત નાને જે તે જગ્યા ઉપર યોગ્ય સફાઈ ન કરતા હોવા બદલ તેમજ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાનો રિપોર્ટ કરી દેવાની ધમકી આપીને, દર મહિને પેટા કોન્ટ્રાકટર પાસેથી ₹૨,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવતી હતી. આ પ્રકારે કૈલાશચંદ્ર મીના પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા.
ACBનું સફળ છટકું:
આ ગંભીર ફરિયાદને આધારે, ACBની ટીમે સુનિયોજિત છટકું ગોઠવ્યું હતું. આજે, ગુરુવાર, ૨૨ મે, ૨૦૨૫ના રોજ, જ્યારે કૈલાશચંદ્ર બાલુરામ મીના લાંચની રકમ ₹૨,૦૦૦ સ્વીકારી રહ્યા હતા, તે જ સમયે ACBની ટીમે તેમને રંગે હાથ દબોચી લીધા હતા અને કાયદાના સકંજામાં લીધા હતા.
રનિંગ રૂમમાં પંચનામાની કાર્યવાહી:
કૈલાશચંદ્ર બાલુરામ મીનાને ઝડપી પાડ્યા બાદ તાત્કાલિક અસરથી સોનગઢ રેલવે સ્ટેશન ખાતે આવેલ રનિંગ રૂમમાં ACBની ટીમ દ્વારા પંચનામાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન લાંચની રકમ, તેના પુરાવા અને અન્ય સંબંધિત દસ્તાવેજો એકઠા કરવામાં આવી રહ્યા છે. ACBના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ભ્રષ્ટાચારીઓમાં દહેશતનો માહોલ:
તાપી ACB દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અગાઉ પણ તાપી જિલ્લામાં ડોલવણના TDO વિરેન્દ્રસિંહ ડોડીયા સહિત અનેક લાંચિયા અધિકારીઓને ACBએ ઝડપી પાડ્યા છે. ACBની આ સતત કાર્યવાહી દર્શાવે છે કે ભ્રષ્ટાચારને કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં અને આવા ભ્રષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ACBની આ સફળ ટ્રેપને કારણે જિલ્લાના સરકારી બાબુઓમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકોને ACBની અપીલ:
ACB દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત સમાજ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી દ્વારા કોઈપણ કામ માટે લાંચની માંગણી કરવામાં આવે તો તાત્કાલિક એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 અથવા વોટ્સએપ નંબર 90999 11055 પર સંપર્ક કરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને ભ્રષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590