સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓના મુદ્દે સુનાવણી કરતી વખતે મહત્વની ટિપ્પણી કરી હતી. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી અને વિશ્વભરમાંથી આવતા તમામ શરણાર્થીઓને આશ્રય આપવો શક્ય નથી. કોર્ટે કહ્યું કે દેશ પોતે 140 કરોડની વસ્તી સાથે સંઘર્ષ કરી રહ્યો છે.
આ ટિપ્પણી શ્રીલંકાના એક નાગરિકની અરજી પર સુનાવણી દરમિયાન આવી હતી. આ વ્યક્તિને 2015માં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE) સાથે કથિત સંબંધોને કારણે ધરપકડ કરવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે તેને UAPA હેઠળ દોષિત ઠેરવીને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી, જેને મદ્રાસ હાઇકોર્ટે ઘટાડીને સાત વર્ષ કરી દીધી હતી. હાઇકોર્ટે સજા પૂરી થયા બાદ તેને દેશ છોડવા અને દેશનિકાલ પહેલાં શરણાર્થી શિબિરમાં રહેવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલે દલીલ કરી હતી કે તેમનો ક્લાયન્ટ શ્રીલંકન તમિલ છે અને તે વિઝા પર ભારત આવ્યો હતો. તેણે પોતાના દેશમાં જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. તેના પત્ની અને બાળકો પણ ભારતમાં સ્થાયી થયા છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી કસ્ટડીમાં છે, તેમ છતાં તેને પાછો મોકલવાની કોઈ કાર્યવાહી શરૂ થઈ નથી.
આ દલીલના જવાબમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ ભારપૂર્વક કહ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી કે જ્યાં દરેક જગ્યાએથી આવતા વિદેશી નાગરિકોનું સ્વાગત કરવામાં આવે. તેમણે પ્રશ્ન કર્યો કે શું ભારતે વિશ્વભરના શરણાર્થીઓની યજમાની કરવી જોઈએ, જ્યારે દેશ પોતે જંગી વસ્તીનો સામનો કરી રહ્યો છે.
કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ભારતીય બંધારણની કલમ 19 ફક્ત ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ છે. અરજદારના વકીલે અહીં કાયમી વસવાટના અધિકારનો દાવો કરતાં કોર્ટે સૂચન કર્યું હતું કે જો ખરેખર શ્રીલંકામાં તેના જીવને જોખમ હોય તો તેણે કોઈ અન્ય દેશમાં આશ્રય મેળવવો જોઈએ. અંતે, સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590