પ્રાઉડ તાપી - વ્યારા : તાપી જિલ્લામાં એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં ICDS (એકીકૃત બાળ વિકાસ સેવા યોજના)ના અધિકારી તન્વી પટેલ પર એક ગરીબ વ્યક્તિના પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળના આવાસના કામને ખોટી રીતે અટકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ મામલે સામાજિક કાર્યકર્તા અને RTI એક્ટિવિસ્ટ તર્કકુમાર જે. ચૌધરીએ તાપી જિલ્લા કલેક્ટરને વિસ્તૃત પત્ર લખીને તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સામાજિક કાર્યકર્તા તર્કકુમાર ચૌધરીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, ICDS અધિકારી તન્વી પટેલ દ્વારા પોતાના પદનો અને સત્તાનો દુરૂપયોગ કરીને, એક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને મળવાપાત્ર સરકારી આવાસના નિર્માણ કાર્યમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો છે. આના કારણે લાભાર્થી પરિવારને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વધુમાં તન્વી પટેલ પટેલના પરિવાર જનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ,જે જગ્યા પર આવાસ બનાવવામાં આવી રહ્યું છે ,તે તેમના બાપ દાદાની જમીન છે તેવું તાપી જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલી અરજીમાં તેમના પરિવાર જનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
સામાજિક કાર્યકર્તા તર્કકુમાર ચૌધરી દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને સુપ્રત કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, મરકુવા ગામના વતની શાશીકાંત લાલુભાઈ ગામીત, જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માન્ય લાભાર્થી છે, તેમને પોતાના ઘરના નિર્માણ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પત્ર મુજબ, ICDS અધિકારી તન્વી પટેલ દ્વારા કથિતપણે પોતાના પદ અને સત્તાનો દુરૂપયોગ કરીને, આ આવાસના કામને રોકવામાં આવ્યું છે. આના પરિણામે, આ ગરીબ પરિવારને આર્થિક અને માનસિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેમને પોતાના ઘરના નિર્માણ માટે અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વંચિતોને મદદ કરવાનો છે, ત્યારે આવા જવાબદાર પદ પર બેઠેલા અધિકારીઓ દ્વારા યોજનાના અમલીકરણમાં અવરોધ ઊભો કરવો એ અત્યંત નિંદનીય બાબત છે. તેમણે કલેક્ટરને વિનંતી કરી છે કે, આ સમગ્ર પ્રકરણની ગંભીરતાપૂર્વક નોંધ લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવે.
સામાજિક આગેવાન દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી છે કે, જો તપાસમાં આરોપો સાચા ઠરે તો ICDS અધિકારી તન્વી પટેલ સામે કાયદેસરની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી પોતાના પદનો દુરૂપયોગ કરીને ગરીબ લોકોને અન્યાય ન કરી શકે. આ પત્ર દ્વારા, ગરીબ પરિવારને ન્યાય અપાવવા અને સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ માટે કલેક્ટરને તાત્કાલિક દરમિયાનગીરી કરવા વિનંતી કરવામાં આવી છે. હવે તાપી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ ગંભીર આરોપો અંગે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
આ બાબતે તન્વી પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ,હું રજા પર છું ,29 તારીખે આવીશ ત્યાર બાદ જ આપને જણાવીશ ,આજ દિન સુધી મે વ્યારા ટીડીઓને રૂબરૂ કે ટેલિફોનિક આવી કોઈ વાત કરી નેથી તેવું તેમણે જણાવ્યું હતું.તેમની સાથે થયેલી ટેલિફોનિક વાતમાં તેમણે તેમના પર લાગેલા આક્ષેપો નકાર્યા હતા.
સ્થાનિક સરપંચ દાનસિંગભાઈનો સંપર્ક કરતાં તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે,આ આવાસ યોજનાના લાભાર્થી મરકુવા ગામના વતની શાશીકાંત લાલુભાઈ ગામીત જે સીધી લીટીના વારસ દાર તરીકે સામે આવે છે,વર્ષોથી આ લોકો અહિયાં જ રહે છે,આ બાબતે ભૂતકાળમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને ફોન પણ કરવામાં આવ્યો હતો,તેવું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590