પ્રાકૃતિક ખેતીથી ધરતી માતાને બચાવવાના મહાયજ્ઞમાં તાપીના ખેડૂત ભાઈ-બહેનોએ તપ કરવું પડશે : આચાર્ય દેવવ્રત
તાપી જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલા સરહદી ઉચ્છલ તાલુકાના હરિપુરા ખાતે ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ-ઉચ્છલ, અને સુરત-તાપી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (સુમુલ ડેરી)નાં સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જનમેદનીને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના હર્યાભર્યા ખેતરો જોઇને ખ્યાલ આવે છે કે, તાપી જિલ્લાના ખેડૂતો ખુબ મહેનતુ અને પરિશ્રમી છે. મહિલાઓની ભાગીદારી તમામ ક્ષેત્રોમાં અગત્યની રહી છે ત્યારે, મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી છે એમ ઉમેરી, યુરિયા-ડીએપી જેવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગના કારણે ધરતી બિનઉપજાઉ બની છે એમ જણાવ્યું હતું.
તેમણે પ્રાકૃતિક ખેતીને લોકો જૈવિક ખેતી સમજી લે છે, રાજ્યપાલે લોકોની ગેરસમજ દુર કરી પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર જાણકારી આપી પ્રાકૃતિક ખેતી ના પાંચ આધાર સ્તંભ થી સૌને અવગત કરાવ્યા હતા. તેમણે પોતાના અનુભવો વર્ણવી કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા વધે અને તેના કારણે ઉત્પાદનમાં વધારો થાય. જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાજ્યપાલ એ પોતાના ખેતરમાં એક એકરમાં 35 ક્વિન્ટલ ડાંગર પકવી છે, એમ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું.
દેશી ગાયનું પાલન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ખેતી માટે દેશી ગાયના છાણ અને ગૌમુત્રનું વિશેષ મહત્વ છે એમ ઉમેર્યું હતું. દેશી ગાયના છાણ અને ગૌમુત્રને ધરતી માટે અમૃત ગણાવ્યું હતું. તેમણે અળસિયાને ખેડૂતનો મિત્ર ગણાવી અળસિયા ધરતીને ગુણવાન બનાવે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયાના જીવન ચક્ર ના મહત્વ અંગે સૌને અવગત કરાવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગ થી પ્રાકૃતિક કૃષિ ની સમતુલા ખોરવાઇ રહી છે. આબોહવા ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીમાં ઝેર ભેળવાતા અનેક પ્રકારના રોગો ઘર કરી ગયા છે. આ તમામ રોગોનું મૂળ જંતુનાશક દવાઓ છે, એમ રાજ્યપાલે કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો જરૂરી છે. તેમણે જંગલોનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, આદિવાસીઓ જંગલોને દેવ માને છે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં કોઇ જંતુનાશક કે ખાતરનો છંટકાવ નથી કરતા. તેમાં કુદરતી રીતે જ તમામ પ્રકારના પોષક તત્વો હોય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં, અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય. તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે, પ્રાકૃતિક કૃષિ થી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે.
ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીથી ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં તાપીના ખેડૂત ભાઇ બહેનોએ પણ તપ કરવું પડશે એમ કહીને તેમણે તમામ ધરતીપુત્રો આ અભિયાનમાં સક્રિય રીતે જોડાય તે માટે આહ્વાન કર્યું હતું.
પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા રાજ્યપાલશ્રીએ પોતે લખેલા પુસ્તકમાં, પ્રાકૃતિક કૃષિની આપેલી પદ્ધતિઓને અનુસરવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલ દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિદર્શિત કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી.આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂત મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરાયા હતા.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.કે. ટિમ્બડીયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકીય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી. તથા પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને ઉચ્છલ તાલુકાના તમામ ખેડૂતો આગળ ધપાવશે એમ રાજપાલને ખાત્રી આપી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ડો. જયરામભાઈ ગામીત, શ્રી બળવંતભાઈ પટેલ, શ્રી સમીરભાઈ ભક્તા (ચેરમેન, મઢી સુગર), જિલ્લા કલેક્ટરશ્રી ડો. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590