સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૨મું સફળ અંગદાન થયું હતું. ડાંગ જિલ્લાના અંતરિયાળ વાનરચોંડ ગામના આદિવાસી ખેડૂત પરિવારના બ્રેઈનડેડ કિશોરની બે કિડની અને એક લીવરનું દાન થતા ત્રણ જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વાનરચોંડ ગામે રહેતા રતનભાઈ ચૌરેના ૧૭ વર્ષીય પુત્ર અરૂણનો ગત તા.3જી જાન્યુ.ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં રોડ અકસ્માત થયો હતો. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં વઘઈની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અરૂણને માથાના ભાગે ટ્રોમેટિક બ્રેઈન ઈન્જરીનું નિદાન થતા ડોકટરોએ વધુ સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલ રિફર કર્યા હતા. ઈજા ગંભીર હોવાથી વધુ પ્રાઈવેટ હોસ્પિટલના તબીબોએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જવા સૂચવ્યું હતું. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં તા.૦૪થીએ બપોરે ૧.૧૫ વાગે સારવાર માટે દાલખ કરાયા હતા, જ્યાં આઈ.સી.યુ.માં શિફટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સઘન સારવાર બાદ તા.૦૮મીએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.પ્રયાગ મકવાણા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ચૌરે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ અરૂણના માતા પ્રેમિલાબેન અને પિતા રતનભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.અરૂણભાઈને બે નાના ભાઈઓ છે. આજે બ્રેઈનડેડ અરૂણભાઈની એક કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ, બીજી કિડની સુરતની કિરણ હોસ્પિટલમાં તેમજ લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૨મું અંગદાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590