ભારતની સૌથી વધુ ઝડપથી દોડતી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની સરેરાશ ઝડપ છેલ્લા બે વર્ષમાં ૮૩ કિલોમીટર પ્રતિ કલાક રહી છે. જો કે આ ટ્રેનની માન્ય મહત્તમ ઝડપ ૧૩૦ કિમી પ્રતિ કલાક છે પણ રેલવે ટ્રેક સારી સ્થિતિમાં ન હોવાને કારણે ટ્રેનને માન્ય મહત્તમ ઝડપે ચલાવી શકાતી નથી તેમ આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં જણાવવામાં આવ્યું છે.
આ સમયગાળામાં ટ્રેન એેક રૃટ પર સરેરાશ ૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ દોડી હતી. આ ટ્રેનની મહત્તમ ઝડપ ૧૮૦ કિમી પ્રતિ કલાક છે પણ તેને મહત્તમ ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે.
મધ્ય પ્રદેશના ચંદ્રા શેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલ આરટીઆઇના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૧-૨૨માં સેમી હાઇ સ્પીડ ટ્રેનની સરેરાશ ઝડપ ૮૪.૪૮ કિમી પ્રતિ કલાક રહી હતી. જ્યારે ૨૦૨૨-૨૩માં ટ્રેનની સરેરાશ ઝડપ ૮૧.૩૮ કિમી પ્રતિ કલાક રહી હતી.
વંદે ભારત એક્સપ્રેસ એક ઇલેકટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેન છે જે ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવે છે. આ ટ્રેનની ડિઝાઇન રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું મેન્યુફેકચરિંગ ચેન્નાઇની ઇન્ટેગ્રલ કોચ ફેકટરી દ્વારા કરવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી ટ્રેનોની સ્પીડનો આધાર ટ્રેકની સ્થિતિ પર રહેલો છે.
મુંબઇની સીએસએમટી- સાઇનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસની સરેરાશ ઝડપ સૌથી ઓછી ૬૪ કિમી પ્રતિ કલાક છે. જ્યારે દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસની સરેરાશ ઝડપ સૌથી વધુ ૯૫ કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન ૨૦૧૯માં શરૃ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં ૧૪ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. વંદે ભારત ટ્રેનના એડવાન્સ વર્ઝનની મહત્તમ સ્પીડ ૨૦૦ કિમી પ્રતિ કલાક હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590