ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ.ઓમ પ્રકાશ કોહલી ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને તેમના આત્માને પરમ શાંતિ મળે તેવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સ્વ.ઓમ પ્રકાશ કોહલી ના અવસાન અંગે રાજ્ય મંત્રી મંડળ, ગુજરાત ની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યકત કરે છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું ગત તા.૨૦ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ અવસાન થયું હતુ. નવી દિલ્હીમાં તા.૯મી ઓગસ્ટ ૧૯૩૫ના રોજ જન્મેલા સ્વ. કોહલી પ્રખર દેશભક્ત હતા. તેઓએ રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો હતો. ૩૭ વર્ષ સુધી તેઓએ હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પણ સેવા આપી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે, કોહલી કુશળ સંગઠક અને સંનિષ્ઠ કર્તવ્ય પરાયણતાને વળેલા હતા.તેઓ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન MISA (Maintenance of Internal Security Act.) હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલ વાસ ભોગવ્યો હતો. તેઓ વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૦ સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પણ રહી ચૂક્યા હતાં. પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યુ હતુ કે, તા.૧૬મી જુલાઇ ૨૦૧૪ થી તા. ૧૫મી જુલાઇ ૨૦૧૯ સુધી ગુજરાતના રાજયપાલ તરીકેના તેમના યશસ્વી કાર્યકાળ દરમિયાન ગુજરાતની વર્તમાન વિકાસ યાત્રા નો નકશો કંડારવામાં સ્વ. ઓમ પ્રકાશ કોહલી એ આપેલું યોગદાન સદાયે અવિસ્મરણીય બની રહેશે. સંવૈધાનિક સંસ્થાઓ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે તેમને ખૂબ જ આદર હતો અને તેનું સંવર્ધન કરવા માટે તેઓ સતત જાગૃત રહ્યા હતા. આ ઉપરાંત તા.૦૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ થી તા.૧૯મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી ગુજરાતની સાથે સાથે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590