સુરત શહેરમાં રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ સહિત ભારે ભીડભાડવાળા વિસ્તારોનો લાભ ઉઠાવી લોકોના મોબાઈલ ચોરી કરતા શખ્સ સહિત ત્રણ આરોપીઓની ઉધના પોલીસે ચોરીના 43 મોબાઈલ સાથે ધરપકડ કરી, 12 જેટલા મોબાઈલ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.નવાગામ ડીંડોલી ખાતે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલા સહિત યુવક મુખ્ય આરોપી પાસેથી ચોરીના મોબાઇલની ખરીદી કરતા હતા. જે આરોપીઓના ઘરેથી ચોરીના 38 મોબાઈલ પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં બનતી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી જેવી ઘટનાઓને ડામવા તેમજ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ઉધના પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમ્યાન ઉધના પોલીસે મળેલ ચોક્કસ બાતમીના આધારે આંજણા રઘુકુળ માર્કેટ પાસેથી શંકાસ્પદ જણાઈ આવેલા પીર ઉર્ફે પીરું ઉર્ફે બચકુંડા મહંમદ સઈદ શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જે શખ્સની અંગઝડતી લેતા પાંચ જેટલા મોબાઇલ ઉધના પોલીસને મળી આવ્યા હતા. જે મોબાઈલ ના આધાર પુરાવા અંગેની પોલીસે માંગણી કરતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસે આરોપીની ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી લિંબાયત સ્થિત કમુનગર ખાતે આવેલા તેના ઘરે તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન આરોપી ના ઘરેથી પણ વધુ 8 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. અંતે પોલીસની પૂછપરછમાં આરોપી પડી ભાંગ્યો હતો અને તમામ મોબાઇલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી.
આરોપી પાસેથી કુલ ચોરીના 11 મોબાઈલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ચોરીના મોબાઈલ સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતી વર્ષા વસાવા અને સંતોષ ગાયકવાડને સસ્તા ભાવે વેચાણ કરી દેતો હોવાની હકીકત જણાવી હતી. જેથી પોલીસે નવાગામ ડીંડોલી ખાતે આવેલ જય જલારામ નગર સોસાયટીમાં રહેતી વર્ષા વસાવા અને સંતોષ ગાયકવાડના ઘરે છાપો મારી તપાસ કરી હતી. જે બંનેના ઘરેથી ઉધના પોલીસને ચોરીના વધુ 38 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. જેથી ઉધના પોલીસે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા વર્ષા વસાવા અને સંતોષ ગાયકવાડની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
ઉધના પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,મોબાઈલ ચોરીના આ સમગ્ર રેકેટમાં મુખ્ય આરોપી પીર ઉર્ફે પીરૂ બચકુંડા મહંમદ સઇદ શેખ છે. જે સુરત રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ તેમજ જે સ્થળે ભારે ભીડ ભાડ હોય તેવા વિસ્તારોમાં જઈ લોકોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી લેતો હતો. જે ચોરીના મોબાઈલ સસ્તા ભાવે વર્ષા વસાવા અને સંતોષ ગાયકવાડને વેચાણ અર્થે આપી દેતો હતો. વધુમાં વર્ષા વસાવા પણ આ જ પ્રકારે શહેરના રેલવે સ્ટેશન,બસ સ્ટેન્ડ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જઈ મોબાઈલ ચોરી કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.જ્યારે આરોપી સંતોષ ગાયકવાડ પણ ચોરીના મોબાઈલ ની ખરીદી કરી અન્યને વેચી દેતો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સંતોષ ગાયકવાડ નવાગામ ડીંડોલી ખાતે પાનનો ગલ્લો ચલાવે છે.જે પાનના ગલ્લા ની આડમાં ચોરીના મોબાઇલની ખરીદી કરતો હતો.
ઉધના પોલીસે આમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ચોરીના 43 જેટલા મોબાઈલ કબજે કર્યા હતા. જે મોબાઈલની અંદાજિત કિંમત બે લાખ 85 હજાર રૂપિયા જેટલી થવા જાય છે.જે મોબાઈલ શહેરના જુદા જુદા પોલીસ મથકોની હદમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત આરોપીઓએ કરી છે.જે પૂછપરછમાં ઉધના, પાંડેસરા,ડીંડોલી, સુરત રેલ્વે, બારડોલી, વરાછા અને પુણા પોલીસ ચોપડે નોંધાયેલા કુલ 12 મોબાઇલ ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590