સુરત શહેરના પાલ વિસ્તારમાં ભાજપ કોર્પોરેટર અને બિલ્ડરના પુત્ર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ પર લેબર કોન્ટ્રાકટર જોડે કામ પૂરું કરવા બાબતે થયેલ માથાકૂટમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જે ઘટનામાં મિસ ફાયરીંગ થવાના કારણે લેબર કોન્ટ્રાકટરનો આબાદ બચાવ થયો છે. ઘટનાના પગલે પાલ પોલીસે લેબર કોન્ટ્રકટરની ફરિયાદના આધારે ભાજપ કોર્પોરેટરના બિલ્ડર પુત્ર વિરુદ્ધ આઇપીસીની કલમ 307, આર્મ્સ એકટ અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જે ઘટનાની વધુ તપાસ એસ.સી. એસ.ટી.સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતના પાલ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, પાલ પોલીસ મથકની હદમાં આવેલા ભેસાણ રોડ પર ઈશ્વર કૃપા સોસાયટીની બાંધકામની સાઇટ ચાલી રહી છે. જે બાંધકામ સાઇટ વોર્ડ નંબર-1ના ભાજપના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ભેસાણીયાના પુત્ર દિવ્યેશની છે. અહીં આવેલી બાંધકામ સાઈટ પર કોન્ટ્રાક્ટ હેઠળ મૂળ દાહોદ જિલ્લાના વતની અલ્પેશભાઈ ભાંભોર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત છે. જેના હાથના નીચે અન્ય મજૂરો કામગીરી કરે છે. અહીં લેબર કોન્ટ્રાક્ટર અને ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ વચ્ચે કામ પૂર્ણ કરવા બાબતે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી. બાંધકામની સાઈટ પર કામ પૂર્ણ થઈ ગયું હોવાના કારણે લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોરે પોતાના મજૂરોને અન્ય બાંધકામની સાઈટ પર મોકલી આપ્યા હતા. જોકે કોર્પોરેટરના પુત્ર દિવ્યેશે બાંધકામ સાઈટ ઉપર હજી કામગીરી બાકી હોવાથી મજૂરોને પરત બોલાવવા માટે કહેતા બોલાચાલી થઈ હતી. લેબર કોન્ટ્રાક્ટર દ્વારા આ બાબતે મૂળ કોન્ટ્રાક્ટરને વાત કરવા જણાવ્યું હતું.
જે બાદ રોસે ભરાયેલા ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશે અન્ય બાંધકામ સાઈટ ઉપર કામ કરી રહેલા મજૂરોને પોતાની ગાડીમાં બેસાડી ભેસાણ રોડ ઉપર આવેલી પોતાની ઈશ્વર કૃપા સોસાયટીની બાંધકામ સાઈટ ઉપર લઈ આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ અહીં મજૂરોને માર મારી ધમકાવવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ સમાજના અગ્રણી દ્વારા કરવામાં આવ્યા હતા. અન્ય બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન મજૂરોને અહીં લઈ આવતા લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશભાઈ અને ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશ વચ્ચે માથાકૂટ અને બોલાચાલી થઈ હતી. જે બાદ પોતાની પાસે રહેલી લાઇસન્સ વાળી રિવોલ્વર જોડે લેબર કોન્ટ્રાક્ટર ઉપર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મિસ ફાયરીંગ થવાના કારણે લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોર નો આબાદ બચાવ થયો હતો. ઘટના બાદ અલ્પેશભાઈ ભાંભોર દ્વારા પોતાના સમાજના અગ્રણી હિતેશ સોલંકી ને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ધોરણે ઘટનાની જાણ પાલ પોલીસને કરાઈ હતી.
બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયા ની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અલ્પેશ ભાંભોર ની ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયા વિરુદ્ધ આઇપીસીની કલમ 307,આર્મ્સ એકટ અને એટ્રોસીટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યાં હાલ ઘટનાની વધુ તપાસ સુરત પોલીસના એસ.સી એસ.ટી સેલ ના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવતા મામાલની વધુ તપાસ એસીપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે.ભાજપ કોર્પોરેટર અજીત ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ભેસાણીયા ના પુત્ર દિવ્યેશ દ્વારા કરાયેલ ફાયરિંગ ની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. કહેવાય રહ્યું છે કે પિતાના હોદ્દા નો દુરુપયોગ કરી સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશે આ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા લોકોના મુખે ચર્ચાઈ રહી છે. જોકે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરે છે તે હવે જોવાનું રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590