Latest News

દિવડયાવનના ખેડુતોએ ડાંગ આખાને તરબૂચની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા

Proud Tapi 17 Apr, 2023 06:41 PM ગુજરાત

લગભગ એક દશક પહેલા દિવડયાવનના ખેડુતોએ અપનાવેલી મધમીઠા તરબૂચની ખેતી, આજે ડાંગના સીમાડા ઓળંગી ને પાડોશી તાપી તથા નવસારી જિલ્લાના ખેડૂતોના ખેતરો સુધી વિસ્તરી ચૂકી છે.

ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં સંભવત: પ્રથમ લાભાર્થી તરીકે દિવડયાવન ગામના મહેનતકશ ખેડુત  મધુભાઈ ગાવિતે વર્ષ  ર૦૧૧/૧ર માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ અને તજજ્ઞોના માર્ગદર્શન તળે તરબૂચની ખેતી તરફ સાહસિક તરફ કદમ માંડયુ. ત્યારથી લઈને આજ દિન સુધી તેમણે પાછું વળીને જોયું નથી. એટલું જ નહીં તેમની સફળતા જોઈને આખું દિવડયાવન અને આસપાસના ખાતળ, માછળી, ભાલખેત, ચિકાર જેવા ગામોએ પણ તરબૂચની ખેતી અપનાવી, અને સફળ પણ થયા છે.

આ યોજના હેઠળ ડ્રીપ ઈંરીગેશનની સિસ્ટમ સાથે મલ્ચિંગ માટેના સાધનો અને તરબૂચનું બિયારણ સો ટકા સહાયથી જિલ્લાના ખેડૂતોને આપવામાં આવ્યું છે, તેમ જણાવતા વઘઇ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડો. હર્ષદ પ્રજાપતિએ પ૦ ટકા પાણીની બચત સાથે નિંદામણ જેવા ખેતી ખર્ચમાં પણ ખૂબ મોટી બચત થાય છે તેમ જણાવ્યુ હતુ. પુર્ણા નદીના પટમાં આવેલા આ ગામોમાં તરબૂચના રોકડીયા પાક ને કારણે ખેડૂતોના જીવન ધોરણમાં ખાસ્સો એવો બદલાવ આવ્યો છે તેમ જણાવતા મધુભાઈ ગાવિતે ડાંગ ઉપરાંત તાપી, નવસારી, સુરત જેવા જિલ્લાના  વેપારઓ, ખેડુતોના ખેતરે આવીને તેમનો પાક ખરીદી જાય છે તેમ કહ્યું હતું. ટનના ૧ર૦૦ થી ૧૬૦૦ રૂપિયા સુધીના ભાવે દિવડયાવન તથા આસપાસના ગામોના તરબૂચ વેચાઈ રહ્યા છે તેમ પણ તેમણે હોંશભેર જણાવ્યુ હતુ. શરૂઆતમાં કે.વી.કે. દ્વારા ડ્રીપ ઈરીગેશનની સિસ્ટમ સો ટકા સહાય સાથે લાભાર્થી ખેડૂતોને આપવામાં આવી હતી ત્યારે તેના લેવા ખૂબ જ મર્યાદિત હતા તેમ જણાવતા અન્ય એક લાભાર્થી ખેડૂત જીતેશ ગાવિતે કહયુ હતુ કે હવે આગાખાન જેવી સંસ્થાના આર્થિક સહયોગ સાથે ડ્રીપ ઈરીગેશનનો લાભ લેવા માટે ખેડૂતો ની કતાર લાગી રહી છે. ઉલ્લેખનિય છે કે સને ર૦૦૭ થી અમલી આ RKVY યોજના શરૂઆતમાં સો ટકા કેન્દ્રીય સહાય હેઠળ ચલાવવામાં આવી હતી.ત્યાર બાદ સને ર૦૧પ/૧૬ થી કેન્દ્ર અને રાજય સરકારના ૬૦:૪૦ ફાળાના ધોરણે ચલાવવામાં આવી રહી છે.

આ યોજના અંતર્ગત દરેક રાજયનો તેની જરૂરિયાત, પ્રાથમિકતાઓ અને જળવાયુ ના હિસાબે કાર્યક્રમોની પસંદગી કરે છે. તેમ જણાવતા કે.વી.કે.ના કૃષિ વૈજ્ઞાનિક ડો.હર્ષદ પ્રજાપતિએ પાક નિદર્શન અને તજજ્ઞોના માર્ગદર્શનને કારણે ડાંગના ઘણા ખેડૂતો તરબૂચની ખેતી તરફ વળ્યા છે તેમ જણાવી, જિલ્લામાં તરબૂચ પાકનું ઉત્પાદન અને વાવેતર વિસ્તાર વધારવાનો પ્રયાસ અહી સો ટકા સફળ થયો છે તેમ જણાવ્યુ હતું. કૃષિ, કૃષિ ઉત્પાદન અને કૃષકોના વિકાસને કેન્દ્રમાં રાખી આ યોજના નું સફળ અમલીકરણ, ડાંગ જિલ્લાના ખેડૂતો તથા તેમના ખેતરોનો કાયાકલ્પ કરી રહી છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post