Latest News

પાન કાર્ડ-આધાર કાર્ડ લિંક કરાવવાની મુદત વધારીને ૩૦ જૂન કરાઈ

Proud Tapi 29 Mar, 2023 04:32 PM ગુજરાત

કેન્દ્ર સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી મળતી માહિતી મુજબ,PAN- -આધાર લિંક કરવાની અંતિમ તારીખ ૩૦ જૂન, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નોટિફિકેશન જારી કરીને આ જાણકારી આપી છે. મહત્વનું છે કે, આ પહેલા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ હતી.  


પાન કાર્ડ અને આધાર નંબરને લિંક કરવાના મામલે દેશમાં કરોડો લોકો પરેશાન છે ત્યારે સરકારે આ માટેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. હવે જેમના પાન કાર્ડ-આધાર લિંક કરવાના બાકી છે તેઓ ૩૦ જૂન સુધી ૧૦૦૦ રૂપિયા દંડ ભરીને બંનેને લિંક કરાવી શકશે. ત્યાર પછી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને પાનને ફરીથી એક્ટિવ કરાવવા માટે દંડ ભરવો પડશે. પાન કાર્ડ- આધારને લિંક કરવા માટેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ હતી. પરંતુ હજુ કરોડો લોકોના કાર્ડ લિંક થયા નથી. ઘણી જગ્યાએ આ બંને કાર્ડ લિંક કરાવવા માટે લોકો લાંબી લાઈન લગાવે છે અને ૩૧ માર્ચની ડેડલાઈન પણ ત્રણ દિવસ પછી પૂરી થવાની હતી. આ દરમિયાન આવકવેરા વિભાગે મહત્ત્વની જાહેરાત કરી છે અને આધાર-પાન કાર્ડને લિંક કરવા માટે ત્રણ મહિનાનો વધારાનો સમય આપ્યો છે.


નાણામંત્રાલયે એક સંદેશમાં જણાવ્યું છે કે પહેલી જુલાઈ, ૨૦૨૩થી જે લોકોએ આધાર અને પાન નંબરને લિંક કરાવ્યા નહીં હોય તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. તેઓ કોઈ જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે.આ બદલ તેમને કોઈ રિફંડ આપવામાં નહીં આવે અને તેમણે આવકવેરાની કલમો મુજબ સૌથી ઉંચા સ્લેબમાં ટીડીએસ અને ટીસીએસ ભરવો પડશે. ત્યાર પછી ૩૦ દિવસની અંદર આધાર અને પાન કાર્ડને લિંક કરાવીને ફરીથી પાન કાર્ડને સક્રિય કરી શકાશે.જે લોકો ભારતના નાગરિકો નથી અથવા જેમની વય ગયા વર્ષે ૮૦ વર્ષ અથવા વધારે હોય તેમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.અત્યાર સુધીમાં ૫૧ કરોડ પાન નંબર લિંક કરવામાં આવ્યા છે.પરંતુ કરોડો પાન નંબરને આધાર સાથે લિંક કરવાના બાકી છે.


પાન કાર્ડ અને આધારને લિંક કરવાનું સરકારે ફરજિયાત બનાવ્યું અને આવું ન કરવા માટે ૧૦૦૦ રૂપિયાના દંડની જાહેરાત કરવામાં આવી તેના કારણે લોકોમાં ભારે રોષ હતો. સરકારે એમ પણ કહ્યું હતું કે ૩૧ માર્ચ પછી જેમના પાન અને આધાર લિંક નહીં હોય તેમને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તથા તેમના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ નિયમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓછામાં ઓછા છ મહિના સુધી તેમાં રાહત આપવા માટે માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક કિસ્સામાં પાન અને આધાર લિંક કરતી વખતે લોકોના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા હોય તેવી ફરિયાદો પણ આવી હતી.
જોકે  નવી ડેડલાઈન સાથે પણ આધાર પાન લિંક કરવા પર તમારે ૧૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. ૧ જુલાઈ બાદ લિંક ન થવાના કિસ્સામાં તમારું પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે અને તમારે તેનો ઉપયોગ કરવા બદલ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.

૩૦ જૂન સુધી ૧૦૦૦ રૂપિયા દંડ ભરીને બંનેને લિંક કરાવી શકાશે, ત્યાર પછી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, પાન કાર્ડને ફરી એક્ટિવ કરાવવા દંડ ભરવો પડશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post