Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત ખાતેના કાર્યક્રમના આયોજન અર્થે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા વન અનેપર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી

Proud Tapi 01 Mar, 2025 05:53 AM ગુજરાત


          
          વડાપ્રધાનશ્રીના હસ્તે સુરત શહેર જિલ્લાના બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ આપવાનો પ્રારંભ થશે 

          માહિતી બ્યુરો સુરતઃશુક્રવારઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી તા.૭મી માર્ચે સુરતના આંગણે પુરવઠા વિભાગ દ્વારા સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન ના કાર્યક્રમના આયોજન અર્થે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના સાંસદ મેયર ધારાસભ્યો પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

            જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ગૃહરાજયમંત્રીશ્રીએ જિલ્લા-શહેરમાંથીઆવનારા  લાભાર્થીઓને લાવવા માટેના બસના રૂટની વ્યવસ્થા, કંટ્રોલ રૂમ  ટ્રાફિક પાર્કિંગ પીવાના પાણી તથા અન્ય વ્યવસ્થાઓ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.    

            સુરતના લિંબાયત વિસ્તારના નિલગીરી મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં સુરત શહેર-જિલ્લાના ૫૦ હજારથી વધુ ગંગાસ્વરૂપ બહેનો વૃધ્ધ વ્યકિતઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને અગ્રતા ધરાવતા કુટુંબો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે આ ૫૦ હજાર લાભાર્થીઓના પરિવારોના અંદાજે ૨ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ આપવાનો પ્રારંભ થશે. વહીવટીતંત્ર દ્વારા સુરત શહેર જિલ્લામાં વસતા વૃધ્ધો, વિધવા બહેનો અને દિવ્યાંગ સહાય મેળવતા ૫૦ હજાર પરિવારોના રેશનકાર્ડને સીધા એન.એફ.એસ.એ.માં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડી.ડી.શાહે સભાસ્થળે અંદાજે એક લાખથી વધુ લાભાર્થીઓને લાવવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની વિગતો આપી હતી.

           આ અવસરે વડાપ્રધાનશ્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભોનું વિતરણ કરાશે. આ સાથે માર્ચ મહિનાથી ૫૦ હજાર પરિવારોને એન.એફ.એસ.એ. અંતર્ગત દર મહિને અનાજ મળતુ થઈ જશે. કાર્યક્રમના સ્થળે મંડપમાં લોકો વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી શકે તે માટે ઝીગઝેગ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

            બેઠકમાં ગૃહમંત્રીશ્રીએ રીંગરોડ પર આવેલી શિવ શકિત ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં જે વેપારીઓનો માલમિલકતને નુકસાન થયું છે તેઓને ફરીથી કેવી રીતે પગભર કરી શકાય તેમજ જેમની પાસે ઈન્સ્યોરન્સ હોય તો ક્લેઈમમાં મદદરૂપ બની શકાય તે દિશામાં કાર્ય કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી. આ ઉપરાંત નુકસાનીનો સર્વે કરવા પણ જણાવ્યું હતું. 

             આ બેઠકમાં સાંસદશ્રી મુકેશ દલાલ જિ.પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ મેયરશ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્ય સર્વશ્રી સંદિપ દેસાઈ, અરવિંદ રાણા મનુભાઈ પટેલ સંગીતાબેન પાટીલ પ્રવીણ ઘોઘારી, મોહન ઢોડીયા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી  તથા અન્ય પદાધિકારીઓ પ્રાંત અધિકારીઓ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.       

              આગની દુર્ઘટનામાં નુકસાનગ્રસ્ત શિવશક્તિ માર્કેટની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી


             નુકસાન થયું છે, પણ હિંમત ન હારવાનો વેપારીઓને અનુરોધ કરતા ગૃહ રાજ્યમંત્રી

           માહિતી બ્યુરો સુરતઃશુક્રવારઃ સુરત શહેરના રિંગરોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં લાગેલી વિકરાળ આગ પર ફાયરબ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આજે સાંજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ શિવશક્તિ માર્કેટની મુલાકાત લઈને અસરગ્રસ્ત વેપારીઓને મળ્યા હતા, આ તકે તેમણે વેપારીઓને સાંત્વના આપી ફરીથી પગભર થવા માટે સરકાર દ્વારા શક્ય તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી.

         ગૃહ રાજ્યમંત્રીશ્રીએ નુકસાન થયું છે, પણ હિંમત ન હારવા નો વેપારીઓને અનુરોધ કરી કહ્યું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે. સરકાર વેપારીઓની પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર ફોસ્ટા અને સુરત મહાનગરપાલિકા નુકસાનીનો સર્વે, ઈન્સ્યોરન્સ ક્લેઈમ, બળેલા માલસામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે એવું મંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું હતું.

          તેમણે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા અગ્નિશમનની કામગીરીને બિરદાવી હતી. આ વેળાએ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત હાજર રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post