Latest News

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

Proud Tapi 03 Mar, 2023 11:44 PM ગુજરાત

અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથા નો ઉલ્લેખ કરીને,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા દેશ વિદેશના મહાનુભાવો નું સ્વાગત કર્યું હતું. ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલે  આદિવાસી સમાજ ની જીવનશૈલી, તેમનો પ્રકૃતિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબાર ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ નો ઉલ્લેખ કર્યો હતો.                                                                                                                                                                                                                         
રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહના ને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ રાજ્યપાલે  ઉમેર્યુ હતુ. રાજ્યપાલે  દેશના રાષ્ટ્રપતિ પદ ઉપર દ્રૌપદી મુર્મુ ની નિયુક્તિ  દેશના આદિવાસી સમાજનું ગૌરવ છે તેમ કહ્યું હતું.                                                                                                                                                     
ડાંગના રાજવીઓની ઉચ્ચત્તમ દેશભિક્તની ભાવનાને પ્રણામ કરી રાજ્યપાલે  આદિવાસી પ્રદેશના વિકાસ માં તેમના યોગદાનની નોંધ લઇ આ પ્રદેશના લોકો પણ હવે વિકાસની મુખ્યધારામાં જોડાઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું. પ્રાકૃતિક જિલ્લાનું સન્માન પ્રાપ્ત કર્યા બાદ ડાંગ જિલ્લાના લોકો અને વિશેષ કરીને અહીનાં ધરતીપુત્રોની જવાબદારી પણ વધી જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.                                                                                                                                               
વૈશ્વિક ચિંતાનો વિષય બનેલા ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરતાં રાજ્યપાલે  આધુનિકતાની આંધળી દોટ થી અળગા રહીને ડાંગના લોકોએ જંગલનું જતન-સંવર્ધન કર્યું છે તેમ જણાવ્યું હતું. દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાનું ગૌરવ અપાવતા વડાપ્રધાને  પ્રથમ વર્ષે જ ₹ ૩૨ કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી તેમ ઉમેર્યું હતું.મિલેટ વર્ષનો ઉલ્લેખ કરી રાજ્યપાલે  પ્રાકૃતિક ખેતી સાથે વિસરાતા ધનધાન્ય નું જતન કરવાનું પણ આહવાન કર્યું હતું. ડાંગના વિકાસ માટે રાજ્ય સરકાર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી રહી છે ત્યારે, વિકાસની સાથે પ્રાકૃતિક અન્ન ઉત્પાદન ડાંગના વિકાસ માટે સીમાચિહ્નરૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું.                                       


ગુજરાતની તમામ સરકારોએ વિશેષ કરીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીને કારણે ગુજરાતમાં વિકાસને નવો વેગ મળ્યો છે, તેમ જણાવી રાજ્યપાલે  આદિવાસી પ્રજાજનોને પ્રવાસનના માધ્યમથી ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેવા બહુવિધ પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો. સ્વાસ્થ્ય સેવામાં પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ નો વ્યાપ વધે તે પણ સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી છે તેમ જણાવી રાજ્યપાલે ,પારંપરિક ચિકિત્સા પદ્ધતિ માં રહેલી સંભાવનાઓનો યોગ્ય અભ્યાસ કરી, તેને વધુ લોકભોગ્ય બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.                                                                                                        
 પ્રાકૃતિક જીવનશૈલી પ્રાકૃતિક સંસાધનો ઉપર ભાર મુકતા રાજ્યપાલશ્રીએ સ્વસ્થ સમાજનું નિર્માણ માટે પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવીને દેશના પ્રેરણાસ્ત્રોત બનવાની હિમાયત કરી હતી.સમાજના તમામ સમુદાયોને વિકાસની મુખ્યધારા માં જોડવા બદલ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન ને અભિનંદન પાઠવતા રાજ્યપાલે સૌને સાથે મળીને ડાંગ જિલ્લાના પ્રજાજનોના સર્વાંગીણ વિકાસ માટે સહયોગી બનવાની અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી નો મહિમા વર્ણવતા રાજ્યપાલે  પ્રાકૃતિક જીવનશૈલી ને વરેલા ડાંગીજનો સામે વિશ્વના લોકો આશાભરી મીટ માંડી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

સને ૨૦૨૩ના ડાંગ દરબાર સાથે ડાંગના પાંચ રાજવીશ્રીઓ (૧) શ્રી કિરણસિંહ યશવંતસિંહ (ગાઢવી રાજ) ને વાર્ષિક રૂ.૨,૩૨,૬૫૦/-, (૨) શ્રી છત્રસિંગ ભવરસિંગ (આમાલા રાજ) ને વાર્ષિક રૂ.૧,૭૫,૬૬૬/-, (૩) શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા રાજ) ને રૂ.૧,૪૭,૫૫૩/-, (૪) શ્રી તપતરાવ આનંદરાવ પવાર (દહેર રાજ) ને રૂ.૧,૫૮,૩૮૬/- તથા (૫) શ્રી ત્રિકમરાવ સાહેબરાવ (પીંપરી રાજ) ને રૂ.૧,૯૧,૨૪૬/- સહિત નવ નાયકો અને ૪૪૩ ભાઉબંધોને કુલ વાર્ષિક રૂ.૬૩,૩૪,૦૭૩ મળી, કુલ રૂપિયા ૭૨ લાખ, ૩૯ હજાર, ૫૭૪નું પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post