Latest News

ચાંદીપુરા વાયરસના સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડનું અલાયદું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉભું કરાયું

Proud Tapi 20 Jul, 2024 09:13 AM ગુજરાત


વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમ સંભવિત બાળદર્દીઓની સારવાર માટે સજ્જ

લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને બાળદર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવા જિલ્લા આરોગ્ય તંત્રનો અનુરોધ

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા (એન્કેફેલાઇટીસ) વાયરસના કેસો નોંધાયા છે,ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડનું અલાયદું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઉભું કરાયું છે.જેમાં વેન્ટિલેટર,ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમને સંભવિત બાળદર્દીની સારવાર માટે સજ્જ કરવામાં આવી છે.

સિવિલ તંત્રની તૈયારીઓ વિષે ડો. જિગીષા પાટડીયાએ જણાવ્યું હતું કે, સિવિલની કિડની બિલ્ડીંગના પ્રથમ માળે ૨૦ બેડનું પીડિયાટ્રીક ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ તંત્રએ શરૂ કરી દીધું છે, જેમાં ચાંદીપુરા વાયરસના કોઈ પણ શંકાસ્પદ કેસની સારવાર કરવામાં આવશે.અહીં વેન્ટિલેટર્સ, ઓક્સિજન અને દવાઓની પૂરતી વ્યવસ્થા સાથે ડોક્ટરોની ટીમ, નર્સિંગ અને સપોર્ટ
સ્ટાફ શંકાસ્પદ ચાંદીપુરા સંભવિત બાળદર્દીઓની સારવાર માટે સજ્જ છે. આ યુનિટમાં છ થી સાત તબીબોની ડેડીકેટેડ ટીમ ૨૪X૭ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં બાળકોના તબીબોની એક ખાસ ટીમ તૈનાત કરાઈ છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો અને તકેદારી

ચાંદીપુરા વાયરસ એ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દીના મગજ પર વિપરીત અસર થાય છે. આ વાયરસના ફેલાવવા માટે સેન્ડ ફલાય (માખી) જવાબદાર છે અને આ વાયરસ ૯ માસ ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.

બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધબેભાન કે બેભાન થવું. વગેરે જોવા મળે છે. ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહીં. બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો, સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા, મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.

જો ઉપર જણાવેલા લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને અથવા નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post