Latest News

રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Proud Tapi 18 Oct, 2024 07:15 PM ગુજરાત


ખેડૂતોએ ડ્રિપ ઈરીગેશનનો વધુમાં વધુ ઉપયોગ અને ક્રોપ પેટર્ન બદલવા પર ભાર મૂકતા વન અને પાણી પુરવઠા મંત્રી

પાણીરૂપી પારસમણિનો કરકસરયુકત અને વિવેકપુર્ણ ઉપયોગ થાય તે જરૂરી: મુકેશ પટેલ

૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાન રવિ અને ઉનાળુ પાક માટે સિંચાઈના રોટેશન નક્કી કરાયા

રવિ પાક માટે ૧,૫૬,૪૦૦ હેકટર તથા ઉનાળુ સિઝન માટે ૧,૫૮,૮૦૦ હેકટર વિસ્તારમાં સિંચાઈ અંગેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું


ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ ૩૪૫ ફુટની સપાટીએ છલોછલ ભરાયો છે. જેના કારણે ખેડુતો પણ હરખાયા છે. હાલ ઉકાઈ જળાશયમાં ૬૭૧૯ એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પીવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે વન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. 
                
સુરત સિંચાઈ વર્તુળની કચેરી, અઠવાલાઈન્સના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં ૨૦૨૪-૨૫ દરમિયાન ખરીફ, રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન ઉકાઈ ડેમની ડાબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા. 
                
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે મેઘમહેરથી ઉકાઈ ડેમમાં પૂરતી જળરાશિનો સંગ્રહ થયો છે, ત્યારે પાણીરૂપી પારસમણિનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડૂતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે, પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ થાય, કેનાલના તળ વિસ્તારમાં પાણી પહોચે તે પ્રકારનું આયોજન કરવા પર તેમજ દરેક ગામોમાં વધુમાં વધુ પિયત મંડળીઓ સ્થાપવા ઉપરાંત ખેડૂતોએ ક્રોપ પેટર્ન બદલવા પર ભાર મૂકયો હતો.  
           
બેઠકમાં ૨૦૨૪-૨૫ માં સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત કાકરાપાર યોજના, ઉકાઈ યોજના અને ઉકાઈ સિવિલ વર્તુળ-ઉકાઈ અંતર્ગત રવિ પાકની સિઝન માટે ૧,૫૬,૪૦૦ હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન ૧,૫૮,૮૦૦ હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સૂચિત રોટેશન ઘડી કાઢવામાં આવ્યું છે. રવિ, ઉનાળુ પાક માટે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા રોટેશન અનુસાર નવેમ્બર-૨૦૨૪થી લઈ જુન ૨૦૨૫ દરમિયાન કાકરાપારના ડાબા કાંઠા મુખ્ય નહેર તથા ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે ૧૬૩ દિવસ પાણી વહેવડાવવામાં આવશે, જેમાં નહેર ૬૪ દિવસ બંધ રહેશે. જયારે કાકારાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર માટે ૧૮૭ દિવસ પાણી અપાશે. જયારે ૮૫ દિવસ બંધ રહેશે. તેમજ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર ૧૮૨ દિવસ પાણી અપાશે અને ૫૧ દિવસ બંધ રહેશે.  
              
સિંચાઈ વસુલાત અને પિયાવાની વિગતોમાં એપ્રિલ-૨૪થી સપ્ટેમ્બર-૨૪ સુધીમાં ઉકાઈ-કાકરાપાર યોજનામાં રૂા.૫૦૬.૧૩ લાખ તથા ઉકાઈ યોજના(વાલોડ)માંથી રૂા.૫૭.૫૩ લાખ મળી રૂા.૫૬૩.૬૬ લાખના પિયાવાની રકમની વસુલાત કરવામાં આવી છે, જયારે ઉકાઈ કાકરાપારની બિનખેતીમાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂા.૪૯૬.૭૬ કરોડની વસુલાત કરવામાં આવી છે.  
         
ડિસેમ્બર-૨૪થી જાન્યુ.-૨૫ દરમિયાન અંદાજે ૩૦ થી ૩૫ દિવસ દરમિયાન આધુનિકરણ અને મરામતના કામો માટે નહેરોને બંધ રાખવામાં આવશે.બેઠકમાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત સિંચાઈ વર્તુળના કાર્યપાલક ઈજનેર સતિષભાઈ પટેલ, અધિક્ષક ઈજનેર એસ.બી. દેશમુખ, કાર્યપાલક ઇજનેરો સર્વ એ.કે. ગરાસિયા, પી.બી. પટેલ, આર.જે.ઉપાધ્યાય, તથા સિંચાઈ મંડળીઓના પ્રમુખો , ઉકાઈ સિંચાઈ ફેડરેશનના હોદ્દેદારો, વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post