Latest News

ડાંગ જિલ્લાની મુસાફર જનતાની સેવામાં સમર્પિત નવ જેટલી નવી એસ.ટી.બસો

Proud Tapi 04 May, 2023 11:55 AM ગુજરાત

તારીખ ૧લી મે-ગુજરાત સ્થાપના દિવસ જોગાનુજોગ GSRTC નો પણ સ્થાપના દિવસ છે. સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના થતાં વેંત જ, રાજયની જનતા માટે જાહેર પરિવહનની સુવિધા શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી અનેક ચડતી પડતી જોઈ ચૂકેલા રાજ્યના વાહન વ્યવહાર વિભાગની છેલ્લા બે દાયકમાં જબરજસ્ત કાયાપલટ કરી દેવામાં આવી છે. એક જમાનામા એરપોર્ટ ઉપર જ મળતી સુવિધાઓ, આજે રાજ્યના અધ્યતન એસ.ટી.ડેપો ઉપર જોવા મળી રહી છે.એક એક થી ચઢિયાતી એસ.ટી.બસોની આખેઆખી શૃંખલા જાહેર માર્ગો ઉપર દોડી રહી છે. એસ.ટી.ના કર્મચારીઓની માનસિકતામાં પણ ઘરમૂળથી બદલાવ આવ્યો છે.કર્મયોગીની ભાવનાથી રાતદિવસ એસ.ટી.કર્મચારીઓ મુસાફર જનતાની સેવામાં યોગદાન આપી રહ્યા છે. આધુનિક ટેક્નોલીજીનો સુભગ સમન્વય સાધી, મુસાફરોને આંગણીના ટેરવે અનેક સુવિધાઓ રાજયનું વાહન વ્યવહાર વિભાગ આપી રહ્યું છે. અહી
મહિલા કર્મચારીઓની ભાગીદારી પણ ઉડીને આંખે વળગી રહી છે.

મુસાફર જનતાની અવિરત સુખ સુવિધા માટે પ્રતિબદ્ધ વાહન વ્યવહાર વિભાગ દ્વારા, તેના અને ગુજરાતનાં સ્થાપના દિન-૧લી મે ના દિવસે, દુર્ગમ પ્રદેશ એવા ડાંગ જિલ્લાને ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની ભેટ આપતા, પોલ્યુશન ફ્રી ટેક્નોલોજી (BS 6) સાથેની તથા GPS સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, પુશબેક અને આરામદાયક બેઠક વ્યવસ્થા સાથે સજ્જ નવ જેટલી નવી એસ.ટી.બસોની ભેટ આપી, પ્રજાજનોની સેવામાં સમર્પિત કરી છે.

વલસાડ એસ.ટી.ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતા અંતરિયાળ આહવા ડેપોને પ્રાપ્ત થયેલી આ નવ એસ.ટી.બસોને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ  મંગળભાઈ ગાવિત,આહવા તાલુકા પંચાયતના અધ્યક્ષા કમળાબેન રાઉત સહિતના જનપ્રતિનિધિઓ,જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર,  ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  શિવાજી તબિયાળ સહિતના પ્રશાસનિક અધિકારીઓ વિગેરેએ પ્રજાર્પણ કર્યું હતું. આ વેળા નાયબ દંડક વિજયભાઈ પટેલે ડાંગના જનપ્રતિનિધિઓની લાગણી અને માંગણીને ધ્યાને રાખી રાજ્ય સરકારે, છેવાડેના ડાંગ જિલ્લાના પ્રજાજનોની જરૂરિયાત ધ્યાને લઈને નવી બસો ફાળવી છે તે બદલ સરકાર પ્રત્યે આભાર પ્રદર્શિત કર્યો હતો.ડેપો મેનેજર  કિશોરસિંહ પરમારે આ સાથે ડાંગ જિલ્લાને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પંદર જેટલી નવી બસો મળવા પામી છે તેમ જણાવી, નવી મળેલી બસો પૈકી આહવા-ગાંધીનગર શિડ્યુલ ઉપર બે નવિન સ્લીપર કોચ બસો, આહવા-નડિયાદ શિડ્યુલ ઉપર એક પુશબેક સીટની સુવિધા સાથેની લક્ઝરી બસ, સહિત ડાંગ જિલ્લાના દુર્ગમ અને પહાડી વિસ્તારો માટે ૬ મીડી બસો કાર્યરત કરવામાં આવી છે તેમ જણાવ્યુ હતું.

આમ,ગુજરાત રાજ્યનો અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનો સ્થાપના દિવસ, ડાંગ જિલ્લાની મુસાફર જનતાની બહેતર સેવાની પ્રતિબદ્ધતા સાથે,તેમને નવી સૌગાત આપીને ઉજવવામાં આવ્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post