મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ મથક વિસ્તારના ખારોલ ગામે તળાવમાંથી મળી આવેલ મૃતદેહ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના પ્રભાતભાઈ બારીયાનો મૃતદેહ હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકની પત્ની દક્ષાબેન અને તેના પ્રેમી રામુ ગુપ્તા તેમજ અન્ય ત્રણ આરોપીઓએ મળીને પાવડાના ઘા ઝીંકી અને ગળે ટૂંપો દઈ પ્રભાતભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કોઠંબા પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. નિષ્ઠુર પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ખારોલ ગામે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભીમથલ ગામના પ્રભાતભાઈ બારીયાનો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે દક્ષાબેનને રામુ ગુપ્તા સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રભાતભાઈ તેમના સંબંધમાં આડખીલી રૂપ હતા. તેથી દક્ષા અને રામુએ પ્રભાતને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. રામુએ અમદાવાદમાં કામ કરતા ગણપતભાઈ નાનાભાઈ પટેલિયાને ₹50,000ની લાલચ આપી હત્યામાં સામેલ કર્યા હતા. ગણપતે તેના ગામના અશ્વિનકુમાર ગલાભાઈ પટેલિયા અને ગોપાલ કુમાર પટેલિયાનો સંપર્ક કરી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો.
આરોપીઓએ પ્રભાતભાઈને ફોસલાવીને ખારોલ ગામની સીમમાં લાવ્યા હતા અને ત્યાં પાવડાના ઘા ઝીંકી અને ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધી હતી. ૨૬ તારીખે ગામના સરપંચને લાશ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પ્રભાતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને ગળે ટૂંપો દેવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લામાં અનૈતિક સંબંધોનો આ કરુણ અંજામ આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590