આમ તો ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ કહેવાય છે કે કદાચ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ચોરી છુપીથી સૌથી વધુ દારૂ પીવાતો હશે. બીજી તરફ બહારના રાજ્યોમાંથી જે દારૂનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે તેને રોકવા પોલીસ પણ તેટલી જ સતર્ક છે. આ તમામ વાતો વચ્ચે વર્ષ 2023 માં પોલીસ દ્વારા જે દારૂ અને જુગારને રોકવાની કામગીરી કરવામાં આવી તેના આંકડા ખુબ ચોકાવનારા આવ્યા છે.
ગુજરાતમાં દારુબંધી છતાં 1 વર્ષમાં 19 કરોડથી વધુનો દારૂ ઝડપાયો, SMCએ અગાઉ કરતા બમણો ઝડપ્યો 19 કરોડથી વધુનો દારૂ ઝડપાયો
સામાન્ય વ્યક્તિ પણ આ આંકડાઓ પરથી અંદાજો લગાવી શકશે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે અને દારૂની હેરાફેરી પાછળ કેવડું મોટું નેટવર્ક પણ સક્રિય છે. ગુજરાત એ ગાંધીનો દેશ છે અને તેને કારણે જ ગુજરાતમાં દારૂ પીવા અને વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ગુજરાતમાં દારૂ પીતા પકડાય તો પોલીસ તેના પર કાર્યવાહી કરતી હોય છે.
એક તરફ જ્યારે સરકાર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પર છૂટછાટ આપે છે તો બીજી તરફ તેનો રાજ્યભરમાં વિરોધ પણ થાય છે, પરંતુ આ તમામ વાતોની વચ્ચે પોલીસે દારૂની હેરાફેરી રોકવા માટે જે કાર્યવાહી કરેલી છે તેના આંકડાઓ ખૂબ ચોકાવનારા આવ્યા છે. જો ગુજરાતમાં દારૂબંધી હોય તો કદાચ છાને ખૂણે દારૂનો નાનો-મોટા જથ્થાની હેરાફેરી થાય તે માની શકાય પરંતુ જો ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયાની દારૂની હેરાફેરી થતી હોય તો આ વાત માનવામાં નથી આવતી પરંતુ હકીકત છે.
કયા રાજ્યોમાંથી અને કઈ રીતે ગુજરાતમાં આવે છે દારૂનો જથ્થો
રાજ્યભરમાં દારૂની હેરાફેરી અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે વિજિલન્સ પોલીસ કાર્યરત હોય છે અને તેણે સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાની જવાબદારીઓ હોય છે. ત્યારે આ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ 2023 માં ગુજરાત રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે ખુબ સરસ કામગીરી કરી છે. તેના જ પરિણામે રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડાયો છે.
સામાન્ય રીતે ગુજરાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ત્રણ બોર્ડર જોડાય છે અને આ ત્રણ રાજ્યમાંથી મોટાભાગે દારૂનો જથ્થો ગુજરાતમાં આવે છે. મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતના નામચીન મોટા ચાર થી પાંચ બુટલેગરો કે જેમણે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોને દારૂ સપ્લાય માટે વહેંચી લીધા હતા, પરંતુ સ્ટેટિંગ સેલની ટીમ દ્વારા આ તમામ બુટલેગરોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે હવે અલગ અલગ નાના બુટલેગરો ફરી સક્રિય થઈને ગુજરાતમાં અલગ અલગ રસ્તાઓ પરથી દારૂ ઘુસાડી રહ્યા છે.
પોલીસથી બચવા બુટલેગર શું નવી તરકીબો અજમાવી રહ્યા છે
અત્યાર સુધી રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ થી જે દારૂનો જથ્થો ગુજરાતમાં આવતો તેને અલગ અલગ ટેંકરો દ્વારા અથવા તો મોટા ટ્રકમાં ગુજરાતમાં લઈ આવવામાં આવતો હતો. કોઈપણ ચીજ વસ્તુની આડમાં ટ્રકોમાં ગુજરાતમાં દારૂની હેરાફેરીઓ કરવામાં આવતી હતી. જે બાદ દૂધ, પાણી કે કેમિકલના ટેન્કરમાં ભરીને દારૂનો જથ્થો ગુજરાતમાં લવાતો હતો પરંતુ જે રીતે ચેકપોસ્ટ અને અન્ય જગ્યાઓ પર પોલીસની ચેકિંગ વધતા હવે પોલીસથી બચવા નવા નવા રસ્તાઓ અપનાવી લીધા છે. હવે બોર્ડર થી લક્ઝુરીયસ કારમાં ગુજરાતમાં દારૂ પ્રવેશવામાં આવે છે.
ખાસ કરીને દારૂનો જથ્થો ભરવામાં આવે છે અને તેને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓથી બોર્ડર પાર કરાવવામાં આવે છે. ૩ થી ૪ અલગ અલગ કારમાં દારૂનો જથ્થો ભરીને દસ પંદર કિલોમીટરના અંતરે આ કારને રવાના કરવામાં આવે છે. જો પોલીસ કોઈ એક કારને પકડે તો અન્ય પાછળની તમામ કારોને અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ કરી દેવામાં આવે છે.
આ ઉપરાંત નદીમાં બોટ દ્વારા પણ દારૂની હેરાફેરી કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં દારૂનો જથ્થો બોટમાં રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તેનાથી પણ વધારે બંને રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક ઉપર દારૂમાં જતો રાખીને બોર્ડર ક્રોસ કરાવવાના કિસ્સાઓ પણ પોલીસે પકડી પાડ્યા છે.
આમ જ્યારે પોલીસની પકડ બુટલેગર ઉપર વધતી ગઈ ત્યારે બુટલેગરોએ મોટા વાહનોમાં દારૂની હેરાફેરી બંધ કરીને નાના-નાના વાહનો દ્વારા ગુજરાતમાં દારૂ પ્રવેશ કરાવવાની પદ્ધતિ અપનાવી લીધી છે.
જો વર્ષ 2023 ના આંકડા પર નજર કરીએ તો
વર્ષ 2023 માં ગુજરાત રાજ્યમાંથી જાન્યુઆરી વર્ષ સુધીમાં એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન કુલ 466 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 19 કરોડથી પણ વધુનો દારૂનો જથ્થો મળી 39 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જોકે વર્ષ 2022 માં એસએમસી દ્વારા 10 કરોડથી વધુનો દારૂ પકડી પાડ્યો હતો, જે આ વર્ષે ડબલ દારૂનો જથ્થો પકડી પાડ્યા હોવાનું માની શકાય છે.
મહત્વનું છે કે સ્ટેટ મોનીટરીંગ સેલની જવાબદારી સમગ્ર રાજ્યમાં દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવાનું છે અને તેની જ કામગીરી દરમિયાન જો ગુજરાતમાંથી 19 કરોડથી વધુનો દારૂ પકડાતો હોય તો સ્થાનિક પોલીસ દ્વારા પણ અલગ અલગ જગ્યા ઉપર અને તેમના વિસ્તારોમાં કેસ કરવામાં આવ્યા છે તેમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો હશે, પરંતુ સવાલ એ થાય છે કે જો સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ તેમના વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવી શકી નહીં અને તેને જ કારણે 19 કરોડ જેટલી મતદાર રકમનો દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. તેને કારણે સ્થાનિક પોલીસની કામગીરીઓ પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590