Latest News

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર-સુરત અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હી દ્વારા હજીરાની ઓઈલ કંપનીઓ ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રીલ યોજાઈ

Proud Tapi 30 Dec, 2024 08:04 AM ગુજરાત

સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હી દ્વારા ભુકંપના કારણે હજીરા સ્થિત ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો.લી. અને ભારત પેટ્રોલિયમ કો.લી.ના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી.IOCL ટર્મિનલ ખાતે સવારે ૮:૦૦ વાગે ૮ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી ૪, ૬ અને ૭ નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું. જેથી ચાર અલગ-અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ (મૂલ્યાંકન) કરવામાં આવ્યું હતું. IOCL ટર્મિનલ ખાતે ૧૨ થી ૧૫ પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્કોમાં 25 હજાર કિલો લિટરથી વધુ પેટ્રોલિયમ સ્ટોરેજ થાય છે. સ્ટોરેજ ટેન્કોમાં પેટ્રોલ, ડીઝલ સહિતના બાયો ડિઝલ જેવા જ્વલંતશીલ પદાર્થ સ્ટોરેજ કરવામાં આવે છે. ૦૮:૪૦ કલાકે પેટ્રોલિયમ ટેન્ક એમએસ માંથી પેટ્રોલ લીકેજ થયું હતું. ત્યાર બાદ ૦૯:૦૦ વાગ્યે ઈમરજન્સી સાયરન વાગ્યું હતુ. કંપનીની ફાયર ફાઈટર ટીમે લીકેજ કંટ્રોલ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. લીકેજ કંટ્રોલ કરવા કંપનીએ હજીરાની સહયોગી કંપનીની મદદ લીધી હતી. ટેન્કમાંથી લીકેજ કંટ્રોલ ન થવાથી ૦૯:૩૦ વાગ્યે જિલ્લા ક્લેકટર તંત્રને જાણ કરવામાં આવી હતી. 
            ભૂકંપના આંચકાથી સુનામી જેવી આપત્તિની સ્થિતિ સર્જાઈ ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલના ભાગરૂપે ૧૨ વ્યક્તિનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યા હત. ૨ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ સાથે આકસ્મિક સમયે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકશાની ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગના પ્રયાસથી સફળ જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજવામાં આવી હતી. 
           પેટ્રોલિયમ લીકેજનાં કારણે પર્યાવરણ, વન્યજીવન અને માનવજીવન પર ગંભીર આરોગ્ય વિષયક અસરોને અટકાવવા માટે વિશેષ જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટરની સફળ મોકડ્રીલ યોજાઈ હતી. આપત્તિ વ્યવસ્થાપનની ટીમે સજાગતા દર્શાવી વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને મોકડ્રીલ સફળ બનાવી હતી.
           આ મોકડ્રીલ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપ-સુરત, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, NDMAના સિનિયર કન્સલ્ટન્ટશ્રી આદિત્ય કુમાર રાય, કામરેજ પ્રાંત અધિકારી અને ઈન્ચાર્જ ઇન્સિડેન્ટ કમાન્ડર વી. કે. પીપળીયા, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરીના ડેપ્યુટી ડિરેક્ટર, મોકડ્રીલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), હજીરા વિસ્તારની મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અદાણી, ઓએનજીસી, એએમએનએસ, ક્રિભકો, એનટીપીસી, રિલાયન્સ, ગેઇલ, આરોગ્ય વિભાગ, ફાયર, જી.પી.સી.બી, કોસ્ટ ગાર્ડ, CISF, મત્સ્યઉદ્યોગ, પોલીસ સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની આગેવાની હેઠળ આસિ. કમાન્ડન્ટશ્રી કુમાર સહિતની ટીમ ઓઈલ લિકેજની કટોકટીના નિવારણ માટેની કવાયતમાં જોડાયા હતા. 
              હજીરા સ્થિત BPCL ડેપો ખાતે મોકડ્રીલના ભાગરૂપે પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝના સ્ટોરેજ ટેન્કને ભુકંપથી નુકશાન થયું હતું. જેમાં કુલ ૧૬ પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્ક છે. જેમાં ઈથેનોલ, HFHSD હાઇ ફ્લેશ હાઇ સ્પીડ ડીઝલ, પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવે છે, ભુકંપના આંચકાથી ટેન્ક નંબર ૫ માં ડિઝલ, ૮ અને ૯ માં પેટ્રોલ મેજર લીકેજ થવાનું જાણવા મળ્યું હતું. સાથે ટેન્ક ૭ અને ૮ લીકેજ કંટ્રોલ દરમિયાન ડાયકોલમાં ક્રેક થવાથી લેવલ ૩ કોલ જાહેર કરતા જેમાં ફાયર, મેડિકલ, સિવિલ ડિફેન્સ સહિત એસડીઆરએફની ટીમે ડેપો માંથી પાંચ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું જેમાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.      

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post