ડાંગ જિલ્લાના ૩૦૭ લાભાર્થીઓને ૪૧૪.૨૧ હે.આરે. જમીન વિસ્તાર માટેના ૩૮૭ અધિકારપત્રોનું વિતરણ કરતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ
જંગલ જમીનના ખેડાણ માટેના હક્કપત્ર માટે લાંબા સંઘર્ષ બાદ પેઢી દર પેઢીથી જંગલ વિસ્તાર હેઠળની જમીન ખેડતા ખેડૂતોને સરકારે ખૂબ જ સકારાત્મક અભિગમ સાથે હક્કપત્રો આપ્યા છે,ત્યારે વન જતન સંવર્ધન માટે પણ ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ, તેમ ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાના ૩૦૭ લાભાર્થીઓને કુલ ૪૧૪.૨૧ હે.આરે.જમીન વિસ્તાર માટેના ૩૮૭ અધિકારપત્રોનું વિતરણ કરતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપી,માત્ર ચૂંટણી ટાણે જ ડેમના મુદ્દે પ્રજાજનોને ગુમરાહ કરતા તત્વોને ઓળખી,ડાંગની પાણીની સમસ્યાના કાયમી નિવારણ અર્થે જિલ્લામાં મધ્યમ કદના ડેમ અને વિયરના નિર્માણથી જળ સંગ્રહ કરવાની દિશામાં હાથ ધરાયેલા પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો.તાપી નદી આધારિત રૂ.૮૬૬ કરોડની પાણી પુરવઠા યોજના ડાંગના લોકોની પાણીની જરૂરિયાત સંતોષશે તેમ પણ તેમણે આ વેળા કહ્યું હતું.
જંગલ વિસ્તારના માર્ગો,પુલ,નાળા,ચેકડેમ મરામત જેવા કાર્યો હાથ ધરીને સરકાર આદિવાસી વિસ્તારના વિકાસની દિશામાં કાર્ય કરી રહી છે ત્યારે,સૌને સંગઠિત થઈને વિકાસમાં સહભાગી થવાની અપીલ કરતા વિજયભાઈ પટેલે,હક્કપત્રો મેળવનારા લાભાર્થીઓને જમીનમાં રહેલા વૃક્ષોના જતન સંવર્ધન માટે જાગૃત રહેવા પણ આહવાન કર્યું હતું.વન અધિકાર અધિનિયમનો હાર્દ સ્પષ્ટ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈને આ અધિનિયમના અમલીકરણ માટે સરકાર હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરી રહી છે તેમ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવી,વન જતન સંવર્ધન માટે સૌને જાગૃત રહેવાનું આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે,અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી(વન અધિકાર માન્ય કરવા)બાબત અધિનિયમ-૨૦૦૬ અન્વયે આદિજાતિ બાબતોના મંત્રાલય નવી દિલ્હીના તા.૧/૧/૨૦૦૮ નાં એક જાહેરનામાં અન્વયે,ડાંગ જિલ્લામાં એફ.આર.એ.હેઠળ,વ્યક્તિગત જમીન મેળવવા તથા સામુદાયિક અધિકારો મેળવવા માટે પ્રાયોજના વહીવટદાર,આહવા,જિ.ડાંગની કચેરી ખાતે આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ અત્યાર ડાંગ જિલ્લામાં કુલ ૩ હજાર ૮૧૮ વ્યક્તિગત દાવા અરજીઓ મંજુર કરી,૪૧૫૫.૯૪૦ હે.આરે. જમીન માટેના આદેશપત્રો આપવામાં આવ્યા છે.બાકી રહેતા ૩ હજાર ૫૨૩ દાવાઓના નિકાલની કાર્યવાહી ચાલી રહી છે.આ ઉપરાંત ડાંગ જિલ્લામા ૬૨૬ સામૂહિક દાવા અરજીઓ મંજુર કરી,૨૦૬૨૬.૦૦ હે.આરે.(૫૧૫૬૫.૦૦ એકર) જમીન ફાળવવામાં આવી છે.
વન અધિકાર અધિનિયમ હેઠળ આવરી લેવાયેલા ખેડૂતોના સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ અંતર્ગત, છેલ્લા પાંચ વર્ષમાં જુદી જુદી ખેતી વિષયક યોજનાઓ માટે કુલ રૂ.૨૮૫.૦૦ લાખનો ખર્ચ થવા પામ્યો છે.જેમાં ૩૪ કુવા, ૫૯ ડીઝલ એન્જીન પુરા પાડવા સાથે, ૬ લીફ્ટ ઈરીગેશન માટે રૂ.૩૯.૯૬ લાખનો ખર્ચ થયો છે. વઘઇ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના (૧) આહવા તાલુકાના ૬૨ લાભાર્થીઓને ૭૫.૭૨ હે.આરે જમીનના ૭૨ વન અધિકારપત્રો,(૨) વઘઈ તાલુકાના ૧૫૨ લાભાર્થીઓને ૧૭૩.૩૦ હે.આરે. જમીનના ૧૯૫ વન અધિકારપત્રો,તથા (૩) સુબિર તાલુકાના ૯૩ લાભાર્થીઓને ૧૬૨.૧૯ હે.આરે. જમીનના ૧૨૦ અધિકારપત્રો મળી,કુલ ૩૦૭ લાભાર્થીઓને ૪૧૪.૨૧ હે.આરે. જમીન વિસ્તાર માટેના ૩૮૭ અધિકારપત્રોનું વિતરણ નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
વઘઈ સ્થિત કૃષિ મહાવિદ્યાલયના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે વઘઈ તાલુકા શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યું હતું.મહાનુભાવો તથા લાભાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરતા ટી.એ.એસ.પી.ના મદદનીશ કમિશનર આર.એ.કનુજાએ કાર્યક્રમની રૂપરેખા સાથે યોજનાકીય પરિચય આપ્યો હતો.ઉદઘોષક તરીકે બકુલેશ દાસે સેવા આપી કાર્યક્રમની આભારવિધિ પણ આટોપી હતી. કાર્યક્રમની આયોજન વ્યવસ્થા પ્રાયોજના કચેરીના કર્મીઓ સર્વ રણજિત દેસાઈ,ચેતન પટેલ અને તેમની ટિમે સંભાળી હતી.કાર્યક્રમમાં વધઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત,તાલુકા/જિલ્લાના હોદ્દેદારો,પદાધિકારીઓ,કાર્યકરો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590