Latest News

પીપોદરામાં ૯.૨૯ કરોડની વીજ ચોરીના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી GUVNL પોલીસ

Proud Tapi 15 May, 2025 03:45 PM ગુજરાત

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ફેક્ટરી ધરાવતા અને વીજચોરી માટેની અવનવી ટેક્નિકથી છેલ્લા ૧૫ વર્ષ કરતા વધુ સમયથી વીજ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવનાર મહમદ ઈલ્યાસ ગુલામ નબી કાપડિયા ઉર્ફે બાબુ કાપડિયાના વિરૂધ્ધમાં ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન  વીજચોરીના ગુના દાખલ કરાયા હતા. જેમાં કુલ રૂ.૯.૨૯ કરોડથી વધુની ચોરી થયાની ફરિયાદ સામેલ છે. તેની સામે વીજ કંપની પોલીસ દ્વારા સુરત ઝોન પોલીસ મથકે ત્રણ ફરિયાદ અને કોસંબા પો.સ્ટે.માં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે છેલ્લા બે વર્ષથી ધરપકડથી બચવા માટે નાસતો-ફરતો હતો. આ સંજોગોમાં ડો. એસ.પી. રાજકુમાર ડાયરેકટર(સલામતી) અને મુખ્ય તકેદારી અધિકારી( જીયુવીએનએલ સરદાર પટેલ વિદ્યુત ભવન-વડોદરા)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ઝોનના ડીવાયએસપી સી.એમ.જાડેજાની દોરવણીમાં ઇન્ચાર્જ પી.આઈ.(GUVNL પો.સ્ટે.) જીએ ધામોત અને તેમની ટીમ આરોપીને સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ટ્રેક કરતા હતા. અંતે બે વર્ષની મહેનત બાદ પોલીસને બાબુ કાપડિયા પીપોદરા જીઆઇડીસીમાં આવનાર હોવાની બાતમી મળી હતી. જ્યાં વોચ રાખીને તેને ઝડપી પાડી વીજ ચોરીના ગુના સબબ માંગરોળ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે.

બાબુ કાપડિયા વીજ ચોરીમાં એક મોટું કુખ્યાત નામ છે. ૨૦૦૮માં પણ વીજ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ પીપોદરામાં આવેલી તેની ફેક્ટરીમાંથી લાખો રૂપિયાની વીજચોરી ઝડપી પાડી હતી. ત્યારબાદ ફરી એકવાર ૨૦૨૩ તેમજ ૨૦૨૪ માં ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીને મળેલી બાતમીના આધારે ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરતાં વીજચોરીનું એક મોટુ રેકેટ આરોપીની ફેક્ટરીમાંથી ઝડપી પાડ્યું હતું. જેમાં તેણે રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત મીટર અને DGVCLના ટ્રાન્સફોર્મરની જગ્યાએ પોતાના ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી વીજચોરી કરતી હોવાનું ઝડપી પાડી તેને સાત કરોડની વીજચોરી ઝડપી પાડવામાં સફળતા
મળી હતી. આ ગુનામાં તે ફરાર હતો.

વીજચોરીમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ

વીજચોરીમાં ૨૦૦૩નાં ઈલેકિટ્રસિટી એકટ મુજબ સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વિવિધ ચોરીમાં મીટર, વાયર કે વીજ કંપનીના સામાન સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સાથે વીજ ચોરી કરનાર સામે કેસ નોંધી દંડની સાથોસાથ મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post