Latest News

ડાંગ જિલ્લામા યોજાશે ગરીબ કલ્યાણ મેળો

Proud Tapi 25 Sep, 2024 08:07 AM ગુજરાત

જુદા જુદા ૧૨ વિભાગોની ૩૦થી વધુ યોજનાઓના અંદાજિત પંદરસોથી વધુ લાભાર્થીઓને મેળા દરમિયાન સાડા ચાર કરોડના લાભો એનાયત થશે


રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ આગામી તા.૨૭મી સપ્ટેમ્બરે આહવા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. રાજ્ય સરકારના જુદા જુદા ૧૨થી વધુ વિભાગોની ૩૦થી વધુ વ્યક્તિગત યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ સાધન/સહાય એનાયત કરવા સાથે, મેળા અગાઉ અને મેળા બાદ પણ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરવાની કવાયત જિલ્લા વહીવટી તંત્રે હાથ ધરી છે.

જિલ્લા કલેકટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળાના જિલ્લાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સમગ્ર કાર્યક્રમના સુચારુ સંકલન, આયોજન, અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા દરમિયાન રાજ્ય કક્ષાના મહાનુભાવ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે, જુદા જુદા ૧૨ વિભાગોની ૩૦થી વધુ યોજનાઓના ૧ હજાર ૪૩૪ લાભાર્થીઓને અંદાજિત રૂ.૪ કરોડ ૨૬ લાખ, ૭૧ હજાર ૧૮૦થી વધુની રકમના, વિવિધ સાધન/સહાય મુખ્ય સ્ટેજ અને પેટા સ્ટેજ ઉપરથી એનાયત કરવાનુ આયોજન કરવામા આવ્યુ છે.

જ્યારે આ મેળા અગાઉ ૭ હજાર ૫૦૪ લાભાર્થીઓને કુલ રૂ. ૮ કરોડ, ૫૮ લાખ, ૬૨ હજાર ૪૯૯નો લાભ એનાયત કરવામા આવી ચૂક્યો છે. તો મેળા બાદ પણ આજની તારીખ સુધી કુલ નોંધાયેલા ૮૫૦ લાભાર્થીઓને અંદાજિત રૂપિયા ૨ કરોડ, ૬૫ લાખ, ૬૫ હજાર, ૬૯૬ના વિવિધ લાભોનુ વિતરણ કરવાનુ આયોજન ઘડી કાઢવામા આવ્યુ છે. આમ, ડાંગ જિલ્લામા ચાલુ વર્ષ ૨૦૨૪/૨૫ દરમિયાન કુલ ૯ હજાર ૭૮૮ લાભર્થીઓને, કુલ રૂપિયા ૧૫ કરોડ, ૫૧, લાખ ૩૭૫ ના લાભો પૂરા પાડી તેમનુ જીવન ધોરણ ઉપર લાવવાનો સ્તુત્ય પ્રયાસ, જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામા આવ્યુ છે.

સબંધિત વિભાગોની વ્યક્તિગત યોજનાઓના લાભો, જરૂરિયાતમંદ લાભર્થીઓ સુધી પહોચાડી તેમના જીવન ધોરણમાં બદલાવ લાવવાના ઉદેશ સાથે આયોજિત, આ ગરીબ કલ્યાણ મેળામા ચાલુ વર્ષે (૧) અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતના વિભાગની અન્નપુર્ણા યોજના તથા અંત્યોદય અન્ન યોજના, (૨)આદિજાતિ વિકાસ વિભાગની કુવરબાઈનુ મામેરુ, વન અધિકાર અધિનિયમ, અને વ્યક્તિગત મકાન સહાય યોજના, (૩) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આયુષ્યમાન કાર્ડ યોજના, નમોશ્રી યોજના, અને જનની સુરક્ષા યોજના, (૪) ઉઘોગ અને ખાણ વિભાગની માનવ કલ્યાણ યોજના, (૫) ગ્રામ વિકાસ વિભાગની સ્વ સહાય જૂથોને બેન્ક ધિરાણ આપવાની યોજના, (૬) કૃષિ અને સહકાર વિભાગની મરઘા પાલન તાલીમ અને સ્ટાઇપેન્ડ આપવાની યોજના, બકરા પાલન યોજના, કુત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીની પ્રોત્સાહન યોજના, તથા વિધુત સંચાલિત ચાફ કટર ખરીદીની યોજના, (૭) મહેસૂલ વિભાગની નિરાધાર વૃદ્ધ સહાય, અને નિરાધાર વિધવા સહાય યોજના, (૮) મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વહાલી દીકરી યોજના, (૯) વન પર્યાવરણ વિભાગની વૃક્ષ ખેતી, અને RDFL યોજના, (૧૦) શ્રમ અને રોજગાર વિભાગની અંત્યેસ્ઠિ સહાય યોજના, (૧૧) શિક્ષણ વિભાગની દિવ્યાંગ વિધાર્થીઓ માટેની સંકલિત શિક્ષણ યોજના, ઉપરાંત (૧૨) સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની માનવ ગરિમા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, સંકટ મોચન યોજના , દિવ્યાંગ વ્યક્તિઓને બસ પાસ આપવાની યોજના, પાલક માતા-પિતા યોજના, વૃદ્ધ નિરાધાર સહાય યોજના, વિધવા સહાય યોજના,
તથા સંત સૂરદાસ જેવી ૧૨ વિભાગોની ૩૦ યોજનાઓના લાભો એનાયત કરવામા આવી રહ્યા છે.

આ અગાઉના ગરીબ કલ્યાણ મેળાઓની વાત કરીએ તો ડાંગ જિલ્લામા સને ૨૦૧૬/૧૭મા યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામા કુલ ૭ હજાર ૩૩૨ લાભાર્થીઓને રૂપિયા ૨૮ કરોડ ૪૩ લાખના લાભો એનાયત કરાયા હતા. જ્યારે સને ૨૦૧૭/૧૮મા ૧૫ હજાર ૧૮૫ લાભાર્થીઓને રૂપિયા ૪૩ કરોડ ૨૧ લાખના લાભો, સને ૨૦૧૮/૧૯મા ૬ હજાર ૧૯૬ લાભાર્થીઓને રૂપિયા ૩૪ કરોડ ૯૨ લાખના લાભો, સને ૨૦૨૧/૨૨મા ૮ હજાર ૧૩૬ લાભાર્થીઓને રૂપિયા ૧૪ કરોડ ૫૧ લાખના લાભો, અને સને ૨૦૨૨/૨૩ના વર્ષના ગરીબ કલ્યાણ મેળામા ૧૨ હજાર ૨૩૨ લાભાર્થીઓને રૂપિયા ૨૬ કરોડ ૪૩ લાખના લાભો એનાયત કરવામા આવ્યા હતા.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની સમગ્રતયા તૈયારીઓ માટે, જિલ્લા સેવા સદન ખાતે શ્રેણીબદ્ધ બેઠકનો દૌર ચાલી રહ્યો છે. સંબંધિત વિભાગો દ્વારા તેમના લાભાર્થીઓની પસંદગી સહિત ઓનલાઈન ડેટા એન્ટ્રી, કીટ સને સાધન/સહાય એકત્ર કરવાની કામગીરી, લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રાખવાની કામગીરી સહિત, મુખ્ય કાર્યક્રમ સ્થળે કરવાની થતી આનુશાંગિક કામગીરી માટે, જિલ્લા વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post