ગ્રુપ ગ્રામ પંચાયત-કેશબંધ તેમજ બિલિઆંબા પ્રાથમિક શાળા દ્વારા યોજાયો સ્વાગત સન્માન સમારોહ કાર્યક્રમ
ડાંગના છેવાડાના ગામ બિલિઆંબાથી વિશ્વના મંચ પર ઝળહળતી સિદ્ધિ મેળવનાર કુ.ઓપીના ભીલારે, ખો-ખોની રમતમા ડાંગ સહિત સમગ્ર ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. ખો-ખો વર્લ્ડ કપ-૨૦૨૫મા ભારતીય મહિલા ટીમે પ્રથમ વિશ્વ કપ ટ્રોફી જીતાડી, ગુજરાત અને ભારતનુ નામ રોશન
કરી નવો ઇતિહાસ રચ્યો છે.
દેશનુ નામ રોશન કરનાર ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના એક ખેલાડી તરીકે સફળ રહેલી કુ.ઓપીના ભીલારની માતૃભૂમિ, તેમજ પ્રાથમિક શાળા-બિલિઆંબા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત ગ્રામજનોએ તેણીનુ ભવ્ય સ્વાગત કર્યું હતુ. ગૃપ ગ્રામ પંચાયત-કેશબંધ તથા પ્રાથમિક શાળા બિલિઆંબા દ્વારા આયોજિત આ કાર્યક્રમમા, પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યુ હતુ કે, ડાંગના છેવાડે આવેલા ગામથી,સિંહની માફક છલાંગ લગાવી ઓપીના ભીલારે,વિશ્વમા જિલ્લા,રાજ્ય અને દેશનુ નામ રોશન કર્યું છે.રાજ્ય સરકાર વતી ઓપીનાની આ સિધ્ધિ બદલમંત્રીએ તેણીને અભિનંદન પાઠવ્યા હતા.
ખો ખો ની આ તેજસ્વી ખેલાડી એવી ઓપીનાની દરેક પ્રગતિમા, રાજ્ય સરકાર તેણીની સાથે જ છે તેમ જણાવી, આગામી સમયમા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા, ડાંગની દિકરીનુ ભવ્ય સ્વાગત/સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામા આવશે તેમ પણ જણાવ્યુ હતુ.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની ચિંતા કરીને, વર્ષ ૨૦૦૩મા શાળા પ્રવેત્શોવ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તો બાળ ખેલાડીઓને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, અને ઓલિમ્પિક સ્તર સુધી લઈ જવા માટે, વર્ષ ૨૦૧૦મા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમની પણ શરૂઆત કરાવી હતી. જેની ફળશ્રુતી રૂપે આજે ગોલ્ડન ગર્લના નામે જાણીતી દોડવીર કુ.સરિતા
ગાયકવાડ સહિત ડાંગ એક્સપ્રેસના હુલામણા નામે જાણીતો થયેલો દોડવીર મુરલી ગાવિત જેવા ખેલાડીઓએ, વિશ્વકક્ષાએ ડાંગનુ નામ રોશન કર્યું છે. આવા જ કાર્યક્રમો થકી વિશ્વ ફલક ઉપર ડાંગનુ ફરી એકવાર નામ રોશન કરનાર, ડાંગની દીકરી કુ.ઓપીના ભીલારે વિશ્વ વિજેતા ખો-ખો ટીમના એક ખેલાડી તરીકે, વર્લ્ડ કપમા પ્રથમ મેડલ મેળવી ભારતને ગૌરવ અપાવ્યુ છે, તેમ મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ. સાથે જ કુ.ઓપીના ભીલારના માતાપિતા સહિતગુરૂજનોને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી ખેલ પ્રત્યે રુચિ ધરાવનાર ખેલાડીઓ જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવે છે ત્યારે, તે જિલ્લા માટે પણ ગૌરવની બાબત બની જાય છે. ડાંગ જિલ્લાનું નામ દેશ અને દુનિયામા રોશન કરનાર બિલિઆંબા ગામની યુવતિ કુ.ઓપીના ભીલારે આજે શાળા, ગામ, જિલ્લા, અને રાજ્ય સાથે દેશનુ નામ પણ રોશન કર્યું છે. ખો-ખો વર્લ્ડ કપમા પ્રથમ નંબર મેળવી ડાંગના મુકુટમા વધુ એક મોરપિચ્છ ઉમેરાયુ છે તેમ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે
જણાવ્યુ હતુ.
તાપી અને ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તારમા આવેલા સુબીર તાલુકાના બિલિઆંબા ગામના આદિવાસી પરિવારની દિકરી કુ.ઓપીના ભીલારના સન્માન સમારોહમા, પ્રાસંગિક વક્તવ્ય આપતા, તાપીના ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ કુ.ઓપીના ભીલાર સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કુ.ઓપીના ભીલારે જણાવ્યુ હતુ કે, તેણીએ ધોરણ-૧ થી ૮ સુધીનો પ્રાથમિક અભ્યાસ, બિલિઆંબા પ્રાથમિક શાળામા પુર્ણ કર્યો છે. વર્ષ ૨૦૧૪ મા ધોરણ ૮ પાસ કર્યા બાદ, તેમણે ઉચ્ચ અભ્યાસ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત 'ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ યોજના' હેઠળ વ્યારા ખાતે ચાલતી ડી.એલ.એસ.એસ. તાપી ખાતે વર્ષ ૨૦૧૪-૧૫ થી ખો-ખોની ઘનિષ્ઠ તાલીમ મેળવી હતી. કોલેજ કાળ દરમિયાન થયેલી ACL ઈન્જરીને કારણે ઘુટણનુ ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી. છતાય તેણીએ મહેનત કરવાનુ ચાલુ રાખ્યુ, અને આજે ખો-ખો વર્લ્ડ કપમા વિજેતા બન્યા છે. જે બદલ તેણીએ સૌ પ્રથમ પોતાના માતાપિતા, ગુરુજનો સર્વશ્રી વિમલ ગામિત અને રસિક પટેલ સહિત તેણીના કોચ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રથમ મહિલા ખો-ખો વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી કુ.ઓપીના ભીલારના સ્વાગત સન્માન સમારોહમા પ્રભારી મંત્રી દ્વારા રૂ. ૨૫ હજાર, ડાંગના ધારાસભ્ય દ્વારા રૂ.૨૫ હજાર તેમજ સાપુતારા પેરાગ્લાઇડીંગ એશોસિએશ દ્વારા રૂ.૨૫ હજાર મળી કુલ રૂ.૭૫ હજારનુ રોકડ પુરસ્કાર એનાયત કરાયુ હતુ.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત સહિત જિલ્લા અને તાલુકા પંચાતના સદસ્યો, કેશબંધ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સભ્યો તેમજ બિલિઆંબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590