Latest News

ડાંગ જિલ્લામાં પોષણ માહ અંતર્ગત સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ આધારિત કાર્યક્રમો યોજાયા

Proud Tapi 06 Sep, 2023 06:34 AM ગુજરાત

 દેશભરમાં યોજાઈ રહેલા પોષણ માહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ સુપૌષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ આધારિત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લા પંચાયતની ICDS શાખા ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી જ્યોત્સના પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર,ડાંગ જિલ્લા અને તાલુકાનાં આઇ.સી.ડી.એસ.નાં અધિકારીઓ તથા કર્મચારીઓ,અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા,જિલ્લાના તમામે તમામ ૪૪૧ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલી કુલ ૧૯૪૭ ધાત્રી માતાઓ પૈકી, ૯૧૮ જેટલી ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દ્વારા ગ્રામીણ ધાત્રી માતાઓને તેઓ ટેક હોમ રાશન (THR)અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આપતા માતૃશકિતના પેકેટસનો નિયમિત ઉપયોગ કરે છે કે કેમ ? એ જાણીને માંથી બનતી વાનગી અને ટેક હોમ રાશન (THR)નાં મહત્વની સમજ આપવામાં આવી હતી.આ બાબતે ડાંગ જિલ્લાના લાભાર્થીઓમાં ખૂબ જાગૃતિ સાથે હકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા છે.

આ ઉપરાંત આઇ.સી.ડી.એસ.ની અન્ય યોજનાઓ જેવી કે :પોષણ સુધા યોજના અને દૂધ સંજીવની યોજનાનો નિયમિત લાભ લેવા સહિત, બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત, ૬ માસ સુધી ફકત સ્તનપાન અને ૭ માસ થી ૨ વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહાર ની સમજ, બાળકની માતા, તથા ઘરની સ્વચ્છતા,બાળકનું સંપૂર્ણ રસીકરણ જેવા વિષયે પણ આ ગૃહ મુલાકાત દરમિયાન વિશેષ સમજ આપવામાં આવી હતી.

નવજાત બાળકની તંદુરસ્તી માટે બાળકોનું નિયમિત વજન તથા ઉંચાઇ દર માસે માપવુ, ખુબ જરૂરી છે.જેની સમજાવટ સાથે આ ગૃહ મુલાકાત દરમિયાન કેટલાક બાળકોનું વજન-ઉંચાઈ માપી, વાલીને પ્રત્યક્ષ બતાવી પોષણ સ્તર નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લોકલ ફૂડ સરગવો, નાગલી, કઠોળ, ભાજીઓના ઉપયોગ બાબતે પણ માતાઓ સાથે ગૃહ મુલાકાત દરમિયાન ચર્ચા કરી પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આમ, માતા અને બાળકોના સ્વાસ્થ્યને લગતી દરેક બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સથવારે, ડાંગ જિલ્લામાં પોષણ માહની ઉજવણી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post