કોલકાતામાં તાલીમી તબીબની દુષ્કર્મ બાદ હત્યાને લઈને દેશભરમાં રોષ છે, ત્યાં હવે મહારાષ્ટ્રના બદલાપુરમાં ત્રણ-ત્રણ વર્ષની બે બાળા સાથે યૌનશોષણની જઘન્ય ઘટના સામે આવતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોએ જ્યાં આ બનાવ બન્યો એ શાળામાં તોડફોડ કરી હતી, તો ઠેર ઠેર ચક્કાજામ કર્યો હતો. રેલ રોકો આંદોલનને પગલે લાંબા અંતરથી દસ ટ્રેનના રૂટ બદલવા પડયા હતા. દેખાવકારોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેને પગલે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વધતા આક્રોશ વચ્ચે ત્રણ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. 12મી ઓગસ્ટે બદલાપુરની સ્કૂલની કેજીની બે બાળા પર જાતીય ઉત્પીડનના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો. 17મી ઓગસ્ટે આરોપીની ધરપકડ કરાઈ હતી. કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે આક્ષેપ કર્યો હતો કે, બાળાઓના માતા-પિતાને ફરિયાદ નોંધાવવા માટે 11 કલાક સુધી રાહ જોવી પડી હતી. નારાજ લોકોએ સ્કૂલમાં તોડફોડ કરી હતી અને સેંકડો લોકો રેલવે સ્ટેશન પર ધસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. બદલાપુર રેલવે મથકે થાણેના પોલીસ કમિશનર આશુતોષ ડુમરે અને જિલ્લા કલેક્ટર દોડી આવ્યા હતા અને આરોપીઓને કડક સજાનું આશ્વાસન આપ્યું હતું. દેખાવોને પગલે આરપીએફને તૈનાત કરાઈ હતી. સોલાપુર-સીએસએમટી વંદે ભારત એક્સપ્રેસ સહિત દસેક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા હતા. રોષ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે સીટની રચનાની જાહેરાત કરી હતી. ડાયરેક્ટર જનરલ આરતીસિંહના નેતૃત્વ હેઠળ સીટની ટીમ તપાસ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590