બારડોલી તાલુકાના વાઘેચા સ્થિત આશ્રમશાળા ખાતે તા.૫ થી ૭ જાન્યુ. દરમિયાન આયોજિત દક્ષિણ ઝોન કક્ષાના ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન: ૨૦૨૪-૨૫’ના બીજા દિવસે આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ઉપસ્થિત રહી બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી, શાસનાધિકારી કચેરી અને હળપતિ સેવા સંઘ- બારડોલી સંચાલિત વાઘેચા આશ્રમશાળાના સંયુક્ત ઉપક્રમે ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ની થીમ પર યોજાઈ રહેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળવૈજ્ઞાનિકોએ ૭૦ કૃતિઓ રજૂ કરી પોતાનું વૈજ્ઞાનિક કૌશલ્ય દર્શાવી રહ્યા છે. આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ અને જિજ્ઞાસા વિકસાવવા માટે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન મહત્વનું માધ્યમ બની રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે લગાવના મજબૂત આધાર પર મહાન વૈજ્ઞાનિક બન્યા હતા. બાળકોને શાળાકક્ષાએથી જ વિજ્ઞાન વિષયમાં રસ રાખીને આગળ વધવાની પ્રેરણા આપતા તેમણે ઉમેર્યું કે, આશ્રમશાળામાં અભ્યાસ કરીને આદિવાસી સમાજના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી, ખાનગી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર નોકરી મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. રાજ્ય સરકારે આદિજાતિ વિકાસ માટે રૂ. ૪,૪૭૪ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે, જેના માધ્યમથી આદિવાસી સમાજનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. વનબંધુ યોજના દ્વારા છેવાડાના ગરીબ આદિવાસી પરિવારોને અનેક લાભો મળ્યા છે. આજે આદિવાસી સમાજના દિકરા- દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે કોઈ અવરોધ નથી. આદિજાતિ બાળકો ડૉક્ટર, એન્જિનિયર, પાઇલોટ બની શકે એ તે માટે સરકાર રૂ.૧૫ લાખ સુધીની લોન સહાય પૂરી પાડે છે, જે આદિવાસી યુવાઓના વિકાસમાં મહત્વનું પગલું સાબિત થઈ રહ્યું છે. દેશને વિકસિત બનાવવા માટે યુવાનોએ આગળ આવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે એવો મત વ્યક્ત કરતા શ્રી હળપતિએ કહ્યું કે શિક્ષિત યુવાનોથી તો દેશ પણ શિક્ષિત અને વિકસિત બનશે. મહેનત સાથે અભ્યાસ કરીને પરિવાર, રાજ્ય અને દેશનું નામ રોશન કરવાની દરેક યુવાનની જવાબદારી છે. આ પ્રસંગે સુરત ન.પ્રા.શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર કાપડીયા, સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઇન્ચાર્જ પ્રાચાર્ય ડૉ. સંજયસિંહ બારડ, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ.યોગેશ પટેલ, ન.પ્રા.શિક્ષણ સમિતિ-સુરતના શાસનાધિકારી શ્રી મેહુલ પટેલ, આદિજાતિ વિભાગના અધિકારીઓ, વાઘેચા આશ્રમશાળાના આચાર્યો, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590