ખેડુતોએ કહ્યું સાહેબ અમે આખી જિંદગી મેહનત કરી જમીન અને ઘર વસાવ્યા છે જો એ જતા રહેશે તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે.સરકાર જો આ જમીન સંપાદનનો નિર્ણય પરત નહિ ખેંચે તો આવનારા સમયમાં નર્મદાનાં જિલ્લાના ખેડૂતો પોતાની જમીનો બચાવવા ઉગ્ર આંદોલન ચલાવશે એવા એંધાણ
દિલ્હી-મુંબઈ 4 લેન રોડ બની નર્મદા જિલ્લામાં થઈ પસાર થાય એ પેહલા જ ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો છે.અગાઉ જમીન સંપાદનને લઇને ખેડુતોએ ગ્રામસભામાં સખત વિરોધ કર્યો હતો.જ્યારે હાલમાં જ હવે જમીન માપણી માટે ખેડુતો વિરોધ કરી રહ્યા છે.ત્યારે આગામી સમયમાં ખેડુતો પોતાની મહામુલી જમીન બચાવવા માટે ઉગ્ર આંદોલન કરશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ખેડુતોએ માંગણી કરી હતી કે જ્યાં સુધી કોર્ટનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી જમીન માપણીની કામગીરી સરકાર ન કરાવે.
દિલ્હી-મુંબઈ 4 લેન રોડ માટે શામળાજી થી વાપી સુધી 4 લેન રોડ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.શામળાજી થી હાલોલ સુધીનો 4 લેન રોડ હાલમાં બનીને તૈયાર પડ્યો છે.હવે વાપી સુધીનો રોડ નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકા માંથી થઈને આગળ જશે.એ માટે હવે સરકાર દ્વારા તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઈવે પરના વિવિધ ગામોની જમીન સંપાદન કરવા માટે જમીન માપણીની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.
જમીન માપણીમાં ખેડૂતો અને જમીનના માલિકો તંત્રને સહયોગ આપે એ માટે રાજપીપળા ખાતે નાંદોદ તાલુકા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ખેડૂતોની એક બેઠક મળી હતી. એ બેઠકમાં હાજર ખેડુતોએ જમીન માપણી કરવા માટે એક સૂરે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.જો કે વહીવટીતંત્ર તો સરકારની સૂચના મુજબ જમીન માપણી માટે બંધાયેલા છે તો બીજી બાજુ ખેડુતોએ પણ સરકાર સામે લડી લેવાનો મૂળ બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે.આગામી સમયમાં સંબંધિત અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણી કરવામાં આવશે ત્યારે ચોક્કસ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજપીપળા ખાતે મળેલી બેઠકમાં ઉપસ્થિત ખેડુતો એ ઉગ્ર સ્વરે આક્ષેપ લગાવ્યો હતો કે અગાઉ અમે વાંધા અરજી આપી હતી એની પર સરકારે કે એમના અધિકારીઓએ કોઈ વિચારણા કરી નથી.અને જમીન સંપાદિત કરવાનો એક તરફી નિર્ણય લઈ લીધો છે.એક ખેડુતોએ અધિકારીને જણાવ્યું હતું કે મારી પાસે 3 એકર જમીન છે, આ પ્રોજેકટ હેઠળ 2.5 એકર જમીન જતી રહે છે તો અડધો એકર જમીનમાં હુ કેવી રીતે મારા પરિવારનું ગુજરાન ચલાવીશ, જો મારી જમીન જતી રહી તો મારે આત્મહત્યા કરવાનો વારો આવશે.જ્યારે અન્ય ખેડુતોએ જણાવ્યું હતું કે સરકાર થોડાં આગળથી જો જમીન સંપાદીત કરે તો નવી બની રહેલી એક આખી સોસાયટી બચી જાય એવી છે.અમે આખી જિંદગી મહેનત કરી ઘર બનાવવા માટે બિલ્ડરને પૈસા આપ્યા છે, જો આમારા ઘરો તૂટી જશે તો અમારે પણ સામુહિક રીતે આત્મહત્યા કરવાનો વારો આવશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના આદિવાસીઓ ખેતી પર નભે છે.આ વિસ્તારમા કોઈ મોટા ઉદ્યોગો પણ નથી, એટલે જો આદિવાસી ખેડૂતોની ખેતી માટેની મહામુલી જમીન જો સંપાદિત થાય તો એમને ભૂખે મરવાનો વારો આવે એમ છે.
દિલ્હી-મુંબઈ 4 લેન હાઈવે માટે ક્યા-ક્યા ગામોની જમીન સંપાદિત થશે??
આ હાઇવે માટે ગરુડેશ્વર તાલુકાનુ અક્તેશ્વર, ફૂલવાડી, ગલુપૂરા, ગરુડેશ્વર, મોટી રાવલ, નાના ઝુંડા, નવા વાઘપુરા, સમારીયા, વાંસલા અને વેલછંડી જ્યારે તિલકવાડા તાલુકાના ઓલવા, ડાભેડ, દેવલીયા, ગેંગડીયા, જેતપુર, કોયારી, નવાપુરા, રતુડીયા, શિરા, સુરવા, ઉચાદ જ્યારે નાંદોદ તાલુકાના આંબલી, બિતાડા, બોરિદ્રા, ગાડીત, જીતનગર, ખુટાઆંબા, મોટા લીમટવાડા, મોટા રાયપુરા, નાના લીમટવાડા, નાના રાયપરા, વડીયા અને વાવડી ગામોની જમીન સંપાદિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590