Latest News

આવશ્યક સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો વિકલ્પ

Proud Tapi 22 Mar, 2024 12:02 PM ગુજરાત

૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર મંડળના ચૂંટણી તંત્રે પોસ્ટલ બેલેટ માટે ફોર્મ નંબર-૧૨ (ડી)રજૂ કરવા કર્યો અનુરોધ

એક પણ મતદાર, મતદાનથી વંચિત ન રહે તે માટે દેશના ચુંટણી પંચે,સમાજના વિવિધ વર્ગો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચત કરી છે. તેમ, ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર વિભાગના, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી  મેહુલ ખાંટે એક બેઠકમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું.

મતદાનના દિવસે આવશ્યક સત્તાવાર ફરજોને કારણે મતદાન કરી શકે તેમ ન હોય તેવા મતદારો, Absentee Voters On Essential Service (AVES) માટે આ વેળા ચૂંટણી પંચે, લોક પ્રધિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૬૦ (સી)અન્વયે, આવા મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા સુનિશ્ચિત કરી છે,તે પણ ખાંટે વધુ વિગતો આપતા જણાવ્યુ હતું.

જિલ્લા સેવા સદન સ્થિત ચૂંટણી શાખા ખાતે યોજાયેલી એક અગત્યની બેઠકમાં સંબધિત કચેરીને માર્ગદર્શન આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવતા કર્મચારીઓ, કે જેઓ મતદાર યાદીમાં નોધાયેલા છે, અને જેમને મતદાનના દિવસે તેમની આવી આવશ્યક સત્તાવાર ફરજોને કારણે ફરજ પર રહેવાનુ પ્રમાણિત કરવામાં આવશે, અને મતદાનના દિવસે તેઓ મતદાન માટે,પોતાના મતદાન મથકમાં હાજર રહી શકશે નહિ,ફ્ક્ત તેવા જ મતદારોને આવશ્યક સેવા શ્રેણીમાં ગેરહાજર મતદાર તરીકે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર ગણાશે તેમ જણાવ્યુ હતું.

સબંધિત ચૂંટણી તંત્ર દ્વારા આવા મતદારોને પોસ્ટલ બેલેટ પેપર આપવા,અને મતદાન કરવા માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર(PVC) તરીકે યોગ્ય સ્થળ નક્કી કરી,આવશ્યક સેવાઓની ક્ક્ષા માટે અરજી કરનાર તમામ લાયક વ્યક્તિઓને,પોસ્ટલ વોટિંગ સેન્ટરનું સરનામું, મતદાનની તારીખો,અને સમયની જાણ કરાશે.ફોર્મ નં.૧૨ (ડી) માં મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો,મોબાઈલ નંબર ઉપર અને અન્ય કિસ્સામાં પોસ્ટ અથવા BLO દ્વારા આ અંગેની જાણ કરાશે. મતદારો નિર્ધારિત કરાયેલા ત્રણ દિવસો પૈકી કોઈ પણ દિવસે,નિર્ધારિત કલાકો દરમ્યાન મત આપી શકશે.તેઓએ તેમની સાથે પોતાનું સેવા ઓળખ કાર્ડ રજુ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે,જે મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હશે તેઓ,નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) પર જ મતદાન કરી શકશે. અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહી. ચૂંટણી પંચ દ્વારા વીજ, BSNL, રેલ્વે, ઉડ્ડયન, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો સહિત આરોગ્ય, S.T નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવા, ટ્રાફિક પોલીસ એમ્બ્યુલન્સ સેવા, તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા મીડિયાકર્મીઓની સેવાને આવશ્યક સેવા તરીકે જાહેર કરવામાં આવી છે.

દરમિયાન પોસ્ટલ બેલેટ પેપર માટેની કામગીરીના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી  હિરલ પટેલે પણ પૂરક વિગતો રજૂ કરી,સૂક્ષ્મ જાણકારી પુરી પાડી હતી. બેઠકમાં ચૂંટણી મામલતદાર  મેહુલ ભરવાડ, તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વિવિધ કચેરીઓ /સંસ્થાઓના નોડલ ઓફિસરો, ચૂંટણીકર્મીઓ સર્વશ્રી પ્રવિણસિંહ જાદવ, રામદાસ ગાવિત, સંજય વડાલિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post