Latest News

ડેડીયાપાડાના નીવલ્દામાં ખેડૂતોનું હકનું ખાતર સગેવગે કરનાર ડેપો સંચાલક સામે પોલીસ ફરિયાદ

Proud Tapi 02 May, 2023 07:18 PM ગુજરાત

વહાબ શેખ / નર્મદા : ડેડીયાપાડાના નિવલ્દા ખાતે આવેલ ગુજરાત સરકાર માન્ય સંચાલિત (જીએસએફસી એગ્રોટેક લિમિટેડ) ખાતર ડેપોમાંથી ખેડૂતોના હક નું ખાતર ખેડૂતોને ન આપી રૂ. ૭૫,૦૩,૫૫૬ નો ખાતરનો જથ્થો સગેવગે કરી બારોબાર વેચાણ કરી કંપની સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરનાર મેનેજર સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મહેનત વિના વધુ પૈસા કમાવવાની લાલચ માણસને આખરે જેલના સળિયા ગણતો કરી દે છે તેવો કિસ્સો દેડિયાપાડાના નીવાલ્દા ખાતે બન્યો છે બનાવની વિગત પ્રમાણે ડેડીયાપાડા તાલુકાના નીવાલ્દા ગામે ખેડૂતોને તેમના જ વિસ્તારમાં ખાતર સહેલાઈથી મળી રહે તે માટે ગુજરાત સરકાર માન્ય સંચાલિત (જીએસએફસી એગ્રોટેક લિમિટેડ) દ્વારા ખાતર ડેપો શરૂ કરવામાં આવ્યો હતો,અને ડેપોના કર્મચારીઓ દ્વારા ખાતરનું ખેડૂતોને વેચાણ કરવાનું હોય છે,જેની નોંધણી ઓનલાઇન અને ઓફલાઇન કરવાની હોય છે અને જે આવક થાય તે રકમ જીએસએફસી એગ્રોટેક લિમિટેડ કંપનીમાં જમા કરવાની હોય છે, પણ આવું ન કરતાં ડેપો સંચાલક મહેશભાઈ સ્વરૂપસિંહ રાઠોડ એ ખાતર ના જથ્થાને સગેવગે કરી રૂપિયા ચાઉં કરી ગયો હતો.

આ બાબતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કંપનીના માર્કેટિંગ ઇન્વિટેશન હેડ વિપુલ પટેલ તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ ખાતર ડેપોની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી જે જથ્થો ખાતર ડેપો માં હતો તે જોતાં કંપનીના કર્મચારીઓ ને શંકા જતા તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ ફરી વિપુલ પટેલ સાથે આસિસ્ટન્ટ મેનેજર સંગ્રામ ભરવાડ, એચ.આર. હેડ રાજેશ પ્રજાપતિ, ડેપ્યુટી મેનેજર નૌમાન ફારૂકીએ ફરી ખાતર ડેપો ની વિઝિટ કરી  સ્ટોકની ગણતરી કરી તો ચોકાવનારી વિગતો સામે આવી હતી, રૂ.૭૫,૦૩,૫૫૬ નો ખાતરના જથ્થામાં વિસંગતતા જણાઈ તો, કંપનીના અધિકારીઓ ડેપોના ખાતરના જથ્થાને સીલ કરી કંપનીમાં જાણ કરી અને આ અંગે કંપનીએ ડેપો સંચાલક પાસે ખુલાસો આપવા જણાવ્યું પણ ડેપો સંચાલક મહેશ સ્વરૂપસિંહ રાઠોડ કોઈ પણ ખુલાસો આપી શક્યા નહિ, આખરે ૨૭/૦૪/૨૦૨૩ ના રોજ આસિસ્ટન્ટ મેનેજર સંગ્રામ ભરવાડે સંચાલક મહેશ સ્વરૂપસિંહ રાઠોડ વિરુદ્ધ કંપની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી, અને ઠગાઈની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં લખાવી હતી.

જી.એસ.એફ.સી.ના અધિકારીએ ફરિયાદ આપતા જ ડેડીયાપાડા પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક આરોપીને ઝડપી પાડયો હતો અને આરોપી સહિત જી.એસ.એફ.સી.ના અધિકારીઓને સાથે પોલીસે નીવલ્દા ખાતર ડેપોની સ્થળ તપાસ કરી ડેપોને સીલ મારવામાં આવ્યું હતું,તેની જાણકારી આ વિસ્તારના ખેડૂતોને થતાં જરૂરિયાત સમયે તેમને ખાતર મળશે કે કેમ? તે બાબતે ખેડૂતોમાં ચિંતા જોવાઈ રહી છે. હાલ તો પોલીસ આરોપી મહેશ રૂપસિંહ રાઠોડની પૂછપરછ કરી રહી છે કે, આ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે? હવે પોલીસની સઘન તપાસ માં શું બહાર આવશે એ તો આવનારો સમય બતાવશે, પણ હાલ તો નીવલ્દા ખાતર ડેપો નો લાલચુ સંચાલક જેલના  સળિયા ગણી રહ્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post