Latest News

આહવા ખાતે યોજાઈ પ્રિ-મોન્સુન પ્રિપ્રેર્ડનેસ બેઠક

Proud Tapi 10 May, 2023 12:05 PM ગુજરાત


વિશિષ્ટ ભૂપૃષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ભુસ્ખલન તથા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સાથે, લો લેવલ કોઝ-વે અને માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળવાના બનાવો બનતા હોય છે. તેવા સમયે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ તેમજ પોતાની ફરજ દરમિયાન બિનચૂક કામગીરી કરવાની તાકીદ ડાંગ કલેકટર મહેશ પટેલે કરી છે.

આહવા ખાતે યોજાયેલી પ્રિ-મોન્સુન પ્રિપ્રેર્ડનેસ બેઠકમા માર્ગદર્શન આપતા કલેકટરે ,સંદેશા વ્યવહાર સહિત વીજ પુરવઠો સતત જળવાઇ રહે તેની તાકીદ કરતા, જિલ્લામાં ચોમાસા દરમિયાન નોંધાતા જાનમાલની નુકસાન બાબતે સમયસર ત્વરીત કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી. સરેરાશ ૧૮૦૦ થી ૨૦૦૦ મી.મી. વરસાદ ધરાવતા ડાંગ જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારોમા ચોમાસામાં ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી ઘટના સર્જાઈ, તો આકસ્મિક સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરી, જરૂરી દવા અને તબીબી સેવાઓ,અનાજ પુરવઠો,વાહન વ્યવહાર સહિતની પ્રાથમિક સેવાઓ ખોરવાઈ નહીં તેની વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી. આ ઉપરાંત પુરની સ્થિતિ વેળા સ્થાનિક તરવૈયાઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા માટે મામલતદારની સુચના આપી હતી. ચોમાસામા ડાંગ જિલ્લાનુ સૌંદર્ય જ્યારે પૂરબહારમાં ખીલી ઉઠે છે ત્યારે,અહીંના ધોધ અને પર્યટન સ્થળો એ પ્રકૃતિ પ્રેમી પર્યટકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સમયે ફોટોગ્રાફી અને સેલ્ફીની ઘેલછામાં,કેટલાક પ્રવાસીઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે, અને આડેધડ પાર્કિંગ કરવાને લીધે જાહેર વાહન વ્યવહાર પણ અવરોધાતો હોય છે.આવી સ્થિતિનુ નિર્માણ ન થાય તે માટે સુચારૂ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે, લો લેવલ કોઝ- વે કે માર્ગો ઉપર ફરી વળતા વરસાદી પૂરને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને,તેની તકેદારીના ભાગરૂપે જરૂરી સિક્યુરિટી ગાર્ડ ની સેવા ઉપલબ્ધ રાખવાની પણ કલેકટરે  સૂચના આપી હતી.

ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે પ્રજાકીય જાનમાલના નુકસાન વેળા ચૂકવાતી સહાય, કેશડોલ્સ ની કામગીરી સહિત ગ્રામીણ કર્મચારીઓ,સ્થાનિક પદાધિકારીઓ, સ્વૈચ્છીક-સામાજિક સંસ્થાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની હિમાયત પણ કલેકટર મહેશ પટેલે કરી હતી. બેઠકનું સંચાલન કરતા ડિઝાસ્ટર મામલતદાર અર્જુનસિંહ ચાવડાએ વિભાગવાર જવાબદારીઓનું પ્રેઝન્ટેશન રજુ કરતા,એક્શન પ્લાન ની વિગતો રજૂ કરી હતી.તેમજ આગામી તા.૧લી જુન ૨૦૨૩ થી જિલ્લાનો કંટ્રોલરૂમ (૦૨૬૩૧-૨૨૦૩૪૭) રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવા સાથે, દરરોજ ની માહિતી કંટ્રોલ રૂમ માં નોંધાવવાની,સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post