Latest News

રાજપીપળા નગરપાલિકાના સફાઈ દાવાઓની પોલ ખુલી: ભાજપ કોર્પોરેટરના ગંદકીની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો આક્ષેપ!

Proud Tapi 09 Feb, 2025 12:41 PM ગુજરાત

વોર્ડ નં. 5ના કોર્પોરેટર પ્રગ્નેશ રામીએ નગરપાલિકાના ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમના વિસ્તારમાં અપૂરતી સફાઈ કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા, જેનાથી નગરપાલિકાની કાર્યપ્રણાલી પર શંકા ઊભી થઈ છે. 

રાજપીપળા નગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત શહેરમાં સફાઈ કામગીરી અને સુંદરીકરણના દાવાઓ કરી રહી છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. તાજેતરમાં પ્રાદેશિક કમિશનર અને ચીફ ઓફિસર કે.એમ. વાનાણી રાજપીપળા નગરપાલિકાના વિવિધ વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા, જ્યાં સફાઈ કામગીરી અને શહેરના વિકાસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા આ મુલાકાતની માહિતી પોતાના અધિકૃત Facebook પેજ પર પણ શેર કરવામાં આવી હતી.

ત્યારે આપવામાં આવેલા આ આકડા અને દાવાઓ સામે હવે ખુદ ભાજપના કોર્પોરેટર પ્રગ્નેશ રામીએ સવાલ ઉઠાવ્યા છે. જેમાં વોર્ડ નં. 5માંથી ચૂંટાયેલા કોર્પોરેટર પ્રગ્નેશ રામીએ નગરપાલિકાના Facebook પોસ્ટ પર જ કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં સપ્તાહમાં ફક્ત ત્રણ જ દિવસ ઘરમાંથી કચરો ઉઘરાવા માટે ટેમ્પો આવે છે. તેઓએ વધુમાં કહ્યું કે, ‘‘જ્યારે અધિકારીઓ નિરીક્ષણ માટે આવે છે, ત્યારે તેમને વાસ્તવિક સ્થિતિ બતાવવામાં આવવી જોઈએ. ખાસ કરીને તેમના વોર્ડમાં આવેલા વાલ્મિકી વાસ, જ્યાં ગંદકીના ઢગલા લાગેલા છે અને સફાઈના કામની રાહ જુવે છે, તેને પણ આ અધિકારીઓને બતાવવામાં આવવું જોઈએ.’’

 ભાજપના કોર્પોરેટરના આ ખુલાસાથી રાજપીપળા નગરપાલિકાની કાર્યપ્રણાલી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં જ સફાઈ અને સુંદરીકરણ થાય છે, જ્યારે અન્ય વિસ્તારો ગંદકીની ભરમાર છે, તેવું કોર્પોરેટર પ્રગ્નેશ રામીનો આક્ષેપ છે.

 ગઈકાલે જ નગરપાલિકાએ શહેરની સફાઈ અને બ્યુટીફિકેશનના વખાણ કર્યા હતા, પરંતુ ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિએ પાલિકાની પોલ ઉઘાડી નાખી છે. નગરપાલિકા તરફથી માત્ર દેખાવ માટેના દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે વાસ્તવિક કામગીરીમાં પણ કંઈક બદલાવ આવશે? એ પ્રશ્ન હવે ઉઠવા પામ્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post