રાજકોટથી લોકસભાની ચૂંટણી લડી રહેલા પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. આ મુદ્દે રાજકીય ચર્ચાઓ અને વિરોધ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. રૂપાલા વિવાદ અંગે વિજય રૂપાણીએ કહ્યું કે, ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે. રૂપાલાએ બે વખત માફી માગી લીધી છે. મને ચોક્કસ લાગે છે કે, ક્ષત્રિય સમાજ માફી આપશે.
સાથે જ પરેશ ધાનાણીને લઈને ચાલતી અટકળો પર વિજય રૂપાણીએ કહ્યું કે, ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે, શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. ગુજરાતમાં ત્રીજી વખત ભાજપ 26 બેઠક જીતશે. જનતા તૈયાર છે, મતદાનની રાહ જોવાય છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી. કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની છે.
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં ચીમકી બાદ તકેદારી વધારાઈ છે. અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવાયો છે. ઝોન 7ના ઈનચાર્જ DCP વિશાખા ડબરાલ બોપલ સમર્પણ બંગલોઝ પહોચ્યા છે. સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હાજર છે.
બીજી બાજુ, રૂપાલાના વિરોધમાં રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની રેલીનું એલાન કરાયું છે. કરણીસેના મહિલા મોરચા પ્રદેશ પ્રમુખ પદ્મીનીબાએ રેલીનું આહવાન કર્યું હતું. રાજકોટના કુંભારવાડામાં સાંજે 4 વાગ્યે રેલીનું આયોજન કરાયું છે. આ રેલી સાંજે ચાર વાગ્યે બહુમાળીથી કલેક્ટર કચેરી સુધી યોજાવાનું આયોજન છે. રૂપાલાની ટિકિટ રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવાનું પણ આયોજન છે. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ભેગા થાય તેવો દાવો છે. આ રેલી માટે મંજૂરી પણ મંગાઈ છે.
ઉપરાંત આજે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલાપસિંહ મકરાણા પણ અદમદાવા આવશે. અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ રાજકોટ જશે. અમદાવાદમાં ગોતા ખાતે રાજપૂત ભવનમાં વિવિધ સ્ટેટના રાજવી પરિવારના સભ્યો બેઠક કરી પત્રકાર પરિષદ યોજશે. રાજકોટમાં આજે રાજપૂત સમાજ સંકલન સમિતિની પણ બેઠક મળશે. જેમાં મુખ્ય સંયોજક રમજુભા જાડેજા અને કરણસિંહ ચાવડા રાજકોટ પહોંચશે. આ તરફ રાજકોટમાં પદ્મીનીબાના અન્નત્યાગનો આજે ચોથો દિવસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590