દુકાનો ખોલાવવા નીકળેલા નેતાઓની પ્રજાએ ધરાર નહિ માની વિરોધ નોંધાવ્યો..
છેલ્લા ઘણા સમયથી વ્યારા પાલિકા ઘણા વિવાદોમાં રહી છે.પાલિકા પ્રશાસકો નગરના પ્રજાજનોની સેવા નહિ પણ મેવા માટે કામ કરતા હોય તેવા ભ્રસ્ટાચારના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહયા છે.ત્યારે વ્યારા નગરપાલિકાના શાસકોની કાર્યશૈલી પર શંકાની સોંય તકાઈ રહી હોય તેવું દ્રશ્યમાન થઇ રહ્યું છે. થોડા દિવસો પહેલા પાલિકાની સામાન્ય સભામાં તોતિંગ વેરા વધારાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.જેને લઈને પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને એક પછી એક સેંકડોની સંખ્યામાં પ્રજાજનોએ વાંધા અરજીઓ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
જો કે નગરના પ્રબુદ્ધ નાગરિકોએ પાલિકા શાસકોના તઘલખી નિર્ણય ને પડકારી વ્યારા નગર વેરા વધારા નાબૂદ સંઘર્ષ સમિતિની રચના કરી હતી.અને તેના દ્વારા શનિવારે વેરા વધારાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું.વેરા વધારા નાબૂદ સમિતિ દ્વારા શનિવારે વ્યારા બંધનું એલાન આપતા કેટલાક શાસકોએ પ્રજાજનોની સાથે નહિ પણ પોતાના નિર્ણય ને અડગ રહી નગરજનોને બંધમાં નહિ જોડાવા અપીલ કરતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
વ્યારાના નગરજનો દ્વારા પાલિકા શાસકોની કોઈપણ શરમ રાખ્યા વગર સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વહેલી સવારથી નગરજનો સજ્જડ બંધ પાડશે તેવી પ્રતીતિ થતા શાસકોમાં ડર પેઠો હોય તેમ શાસકો અને જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો દુકાનો ખોલાવવા નીકળતા વેરા નાબૂદ સમિતિ સાથે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું ત્યારે વ્યારા પોલીસે દરમિયાનગીરી કરી બંને પક્ષો ને રવાના કર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક ચંદ્રરાજસિંહ જાડેજા, વ્યારા પી આઈ કુલદીપસિંહ ઝાલા તેમજ એલસીબી પીઆઇ વસૈયા ની ટીમે સતત ખડેપગે ઉભા રહી બંધ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી લીધી હતી.
વ્યારા નગરપાલિકા દ્વારા તોતિંગ વેરા વધારા નો ઠરાવ કર્યા બાદ નગરજનોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. નગરજનોએ ખોબલે ખોબલે મતો આપી સત્તા પર બેસાડેલા તેમના પ્રતિનિધિઓ પાસેથી જ્યારે રાહતની આશા રાખી હતી ત્યારે આ આશા ઠગારી નિવડાવી સત્તા પર બેસેલા નગરજનોના પ્રતિનિધિઓએ જ નગરજનો પર તોતિંગ વેરા વધારા નો ઠરાવ કરતા નગરમાં જન આક્રોશ ફેલાયો હતો. વ્યારા નગર વેરા વધારા સંઘર્ષ સમિતિ દ્વારા જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વ્યારા બંધનું એલાન આપ્યું હતું તેની સામે વ્યારા નગરપાલિકાના કેટલાક શાસકોએ આ આંદોલન કેટલાક કોંગ્રેસના નેતાઓ ચલાવતા હોવાનું જણાવી નગરજનોને બંધમાં નહીં જોડાવાની અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે પ્રજાજનોનો વેરા વધારા સામેના આક્રોશને કોંગ્રેસનું આંદોલન ગણાવતા શાસકો સામે રોષ ફાટી નીકળ્યો હતો. અને નગરના પ્રજાજનોનો હવે શાસકો પર વિશ્વાસ ન હોય તેમ સજ્જડ બંધ પાડી શાસકોની શાન ઠેકાણે પાડી હોય તેવું લાગી રહ્યું છે. તો હવે આ શાસકો વેરા વધારા નો ઠરાવ મોકૂફ રાખી રદ કરે તેવી પ્રજાજનોની લાગણી પ્રવર્તી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590