Latest News

સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિવાદમાં, વેપારી પાસેથી પૈસા વસૂલવા આપી સોપારી

Proud Tapi 01 Sep, 2024 03:50 AM ગુજરાત

લેબગ્રોન મશીનના ઓર્ડર આપી કેન્સલ કરાવ્યા.મશીન પેટે ચૂકવેલી રકમ પરત લેવા વેપારીને ધમકાવ્યો.વેપારી પાસેથી પૈસા વસૂલવા આપી સોપારી.
સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાય અંકલેશ્વરના માધવ પ્રિય દાસ સામે સુરતના ઉતરાણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ માં આરોપ લગાવાયો છે કે સાધુ માધવ પ્રિયદાસે પોતાના સથીદાર સાથે મળી ફરિયાદી પાસેથી લેબગ્રોનના 5 મશીનની ખરીદી કરી હતી. ત્યારબાદ 3 મશીન નો ઓર્ડર કેન્સલ કરી બે મશીન માટે 1 કરોડ 90 લાખ રૂપિયા ફરિયાદીને ચૂકવ્યા હતા ત્યારબાદ આ બે મશીનનો ઓર્ડર પણ કેન્સલ કરાવી મશીનના પૈસા કઢાવવા રાજકોટના વિક્રમ ભરવાડને સ્વામીએ સોપારી આપી. વિક્રમ ભરવાડ એ ફરિયાદી પાસેથી 1 કરોડ 90 લાખના બદલે 2 કરોડ 29 લાખ રૂપિયા પડાવી લીધા હતા.ત્યારબાદ પણ વિક્રમ ભરવાડ એ ફરિયાદીને કહ્યું કે તે સમયસર પૈસા આપ્યા નથી તેથી 2 કરોડ 29 લાખ રૂપિયા વ્યાજ છે અને મૂળ રકમ ચૂકવવાની બાકી છે.વિક્રમ ભરવાડ એ ફરિયાદી પાસેથી તેની પત્નીના નામના ચેકો પણ લીધા હતા.આ ચેક બાઉન્સ કરાવી દેવાની ધમકી આપી વિક્રમ ભરવાડે ફરિયાદી પાસેથી 76 લાખ 50 હજાર તથા તેના સાથી બાબુ કેવડિયા પાસેથી 1 કરોડ 21 લાખની માંગણી કરી હતી.આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

સાધુ લોકોને સારા માર્ગ તરફ લઈ જાય અને સત્કાર્યો કરવાની પ્રેરણા આપે છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની એક પછી એક પાપ લીલા સામે આવી રહી છે.ક્યાંક મંદિર બનાવવાના નામે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી તો ક્યાંક લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો કારસો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ રચી રહ્યા છે.ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવે છે. જ્યાં અંકલેશ્વરના સ્વામિનારાયણ સંપ્રદાયના માધવ પ્રિય દાસ સ્વામીએ પોતાના ભાઈ સાથે મળી સુરતમાં સિન્થેટિક ડાયમંડ બનાવવા માટેનું મશીન બનાવનાર વેપારી પાસેથી પૈસા પડાવવાનો કારસો રચ્યો અને સમગ્ર મામલે રાજકોટના એક વ્યાજખોરને પૈસાની ઉઘરાણી માટે સોપારી પણ આપવામાં આવી. વેપારી દ્વારા આ બાબતે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સ્વામીના ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં દિલીપ કાનાણી નામના વ્યક્તિ લેબગ્રોન ડાયમંડ બનાવવા માટેનું મશીન બનાવવાનું કામ કરે છે.ત્યારે અંકલેશ્વરના સ્વામિનારાયણ સંપ્રદાયના માધવ પ્રિય દાસ નામના સ્વામી અને તેના ભાઈ ગીરીશ ભલાળાએ દિલીપ કાનાણીનો સંપર્ક કર્યો હતો અને પાંચ મશીન બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો.પાંચ મશીનનો ઓર્ડર આપ્યા બાદ સ્વામી અને તેના ભાઈએ સાથે મળીને એકાએક ત્રણ મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો અને બે મશીન નો ઓર્ડર આપ્યો હતો. આ બે મશીન માટે સ્વામી માધવ પ્રિય દાસ અને તેના ભાઈ દ્વારા વેપારીને 1 કરોડ 90 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. પૈસા મળ્યા બાદ વેપારી દ્વારા મશીન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મશીનની ડીલેવરી થવાના થોડા દિવસો પહેલા સ્વામી અને તેના ભાઈ દ્વારા મશીન નથી જોતું તેવી વાત કરવામાં આવી હતી અને વેપારી પાસેથી 1 કરોડ 90 લાખ રૂપિયા પરત માગવામાં આવ્યા હતા.

વેપારી પૈસા આપવા તૈયાર હોવા છતાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવ પ્રિયા દાસ નામના સ્વામીએ વધારે પૈસા પડાવવાની લાલસાથી રાજકોટમાં રહેતા વિક્રમ ભરવાડ નામના વ્યક્તિને વેપારી પાસેથી પૈસા કઢાવવાનું કામ આપવામાં આવ્યું અને વિક્રમ ભરવાડ વેપારીને ધાક ધમકી આપીને તેની પાસેથી 1 કરોડ 90 લાખ રૂપિયાની રકમના બદલામાં 2 કરોડ 29 લાખ રૂપિયા પડાવી લીધા.આટલી મોટી રકમ પડાવી લીધી હોવા છતાં પણ વિક્રમ વેપારીને ધમકી આપી સતત પૈસાની માગણી કરતો હતો. વિક્રમ દ્વારા વેપારીની પત્નીના નામે કોરા ચેક પણ લઈ લેવામાં આવ્યા હતા અને વિક્રમ વેપારીને ધમકાવતો હતો કે સમયસર પૈસા ચૂકવવામાં આવ્યા નથી એટલા માટે 2 કરોડ 29 લાખ રૂપિયા જે આપ્યા છે તે માત્ર વ્યાજ છે અને મૂળગા પૈસા ચૂકવવાના બાકી છે. જો આ પૈસા નહીં આપે તો તેની પાસે રહેલા ચેક અલગ અલગ બેંકમાં નાખી બાઉન્સ કરાવી સમાજમાં વેપારીની બદનામી કરવામાં આવશે. આ ઉપરાંત વેપારીના પગ તોડી નાખવાની ધમકી પણ આ વિક્રમ ભરવાડ નામના ઈસમ દ્વારા આપવામાં આવી હતી.

વિક્રમ ભરવાડે વેપારીને જણાવ્યું હતું કે વેપારીને 76 લાખ 50 હજાર રૂપિયા અને વેપારીના સાથીદાર બાબુ કેવડિયાને 1 કરોડ 21 લાખ રૂપિયા હજુ આપવાના છે. પૈસાની ઉઘરાણી માટે વિક્રમ અવારનવાર વેપારી અને તેના પરિવારના સભ્યોને હેરાન પરેશાન કરતો હતો. આ સમગ્ર મામલે વેપારીએ આખરે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને આ વિક્રમ ભરવાડના ત્રાસથી કંટાળીને પોલીસની મદદ માગી અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ દ્વારા માધવ પ્રિય દાસ, ગિરીશ ભાલાળા અને વિક્રમ ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે માધવ પ્રિય દાસના ભાઈ ગિરીશ ભાલાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post