Latest News

તાપી જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ

Proud Tapi 20 Jul, 2024 10:43 AM ગુજરાત

પેન્શન કેસોની સમીક્ષા કરી પેન્શનરોના કેસો સત્વરે નિકાલ કરવાના રહેશે 

તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ અંગેની બેઠક આજરોજ કલેકટર કચેરી,વ્યારાના સભાખંડમાં કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ,જિલ્લા પોલીસ વડા  રાહુલ પટેલ,નાયબ વન સંરક્ષક પુનિત ઐયર,પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બુગાલિયા, ધારાસભ્ય મોહન કોંકણી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં પડતર અરજીઓનો નિકાલ,નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,પડતર કાગળો,તકેદારી આયોગની અરજીઓ,સાંસદ અને ધારાસભ્યની અરજીઓ,સરકારી નાણાંની વસુલાત,ગૌચરની જમીનોના દબાણ તેમજ સરકારી વિવિધ વિભાગોના નકારાત્મક અખબારી અહેવાલ અંગે ચર્ચાઓ હાથ ધરાઇ હતી.
            સંકલન સમિતિની આ બેઠકમાં કલેકટર ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે ,સરકારી ફરજમાંથી નિવૃત્ત થયેલા કોઈપણ કર્મચારીઓના પેન્શન કેસમાં વિલંબ ના થવો જોઈએ.૬ મહિનામાં પેન્શન કેસોનો ઝડપથી અને સમયસર નિકાલ કરવાનો હોય છે. ત્યારે વિલંબ શા માટે ? આજે ફરજ બજાવતા અધિકારીઓ પણ કાલે નિવૃત્ત થવાના છે. જેથી તેઓના પેન્શન કેસ જે સ્ટેજ ઉપર હોય તેની સમીક્ષા હાથ ધરી તાત્કાલિક નિકાલ કરવા તમામ કચેરીના વડાઓને સૂચના આપી હતી.વધુમાં તાપી જિલ્લાના આવાસના લાભાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું  કે આવાસની મંજૂરી માટે લાભાર્થીઓના જુના આકારણી રજીસ્ટરમાં નામો હોય તો એ પણ ગ્રાહ્ય રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પત્રના આધારે આવાસનો લાભ આપી શકાય છે.   
           ધારાસભ્ય મોહનભાઈ કોકણીએ રજૂઆત કરી હતી કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત લોકફાળા સાથે જે તે એજન્સીઓ કે નાના વ્યક્તિઓ કામ કરતા હોય છે. ત્યારે તેઓને સમયસર વળતર મળવુ જોઈએ. જિલ્લા સમાહર્તા ગર્ગે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે સરકારની જોગવાઈઓનું પાલન થાય અને કામના સ્થળે નિયમાનુસાર ફોટોગ્રાફ્સ/  માપણી થયેથી વિચારણા કરવામાં આવશે. 
           ગૌચરની જમીનના દબાણના મુદૃદે  જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે જણાવ્યું હતું કે લાંબી કામગીરીના અંતે કેટલી જમીન દબાણ હેઠળ છે તે માલુમ પડે છે. તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧૨૭ થી વધુ ખેતીના દબાણો દુર કરવામાં આવ્યા છે.વધુમાં તાલુકા વિકાસ અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું  હતું  કે કોઈપણ ગ્રામ પંચાયતના સરપંચો વિકાસના કામ માટે નકારાત્મક અભિગમ અપનાવે તે ચલાવી લેવામાં નહીં આવે.સરપંચો અને ગ્રામજનો સાથે સંવાદ કરી બાળકો માટે શાળા,આંગણવાડી તથા તમામ લોકો માટે સરકારી દવાખાનું વિગેરે બાંધકામ માટે જમીનની આવશ્યકતા રહે છે. ગામના માટે હકારાત્મક વલણ અપનાવવું આવશ્યક છે.  
           સંકલનની આ બેઠકમાં ભાગ-૧માં કોઈ ફરિયાદ મળેલ ન હતી.ભાગ-૨માં નાયબ કલેકટરની અરજીઓ ૧૧૯,નાયબ વન સંરક્ષક,સુરતની ૬૧ અરજીઓ,જીલ્લા વિકાસ અધિકારીના ૫૮ પેન્શન કેસો પૈકી ૧૫ પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસોના સમય મર્યાદામાં નિકાલ કરવા કલેકટરએ જણાવ્યું હતું. પોલીસ અધિક્ષકના ૧૬ પેન્શન કેસ પૈકી ૧૪ કોર્ટમેટર હોઈ પડતર હોવાનું જણાવ્યું હતું. નાયબ વન સંરક્ષક,વ્યારાના ૩ કોર્ટકેસ,સામાજીક વનીકરણનો ૧ કેસ પેન્ડીંગ છે. સરકારી નાણાંની સમયસર વસુલાત થાય,સંસદ સભ્યો,ધારાસભ્યો અને પદાધિકારીઓને તેઓના પ્રશ્નનો યોગ્ય ઉત્તર અપાય તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે સત્વરે તપાસ-અહેવાલ કલેકટરશ્રીને રજુ કરવા અનુરોધ કરાયો હતો. 
            

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post