Latest News

આ ગુજરાતમાં જ શક્ય છે! સરકાર ઉંઘતી રહી અને દહેગામ તાલુકાના વધુ એક ગામનો થઈ ગયો બારોબાર સોદો

Proud Tapi 20 Jul, 2024 03:58 PM ગુજરાત

​​​​​​​​​​​​​​​​​ગાંધીનગર જિલ્લામાં હવે ગામોના બારોબાર વેચાણ દસ્તાવેજ થઈ જવાનો જાણે કે સિલસિલો શરૂ થયો હોય તેમ દહેગામ તાલુકાના સાપા ગ્રામ પંચાયતના પેટાપરા કાલીપુરા ગામની સાત વીઘા પૈકી 1.5 વીઘા જમીનનો વારસદારો દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે હવે ગ્રામજનોએ તંત્રને વાંધાજી આપતા આગામી દિવસમાં તેની મુદત રાખવામાં આવી છે.


દહેગામ સબ રજીસ્ટર કચેરીમાં ગત એપ્રિલ મહિનામાં આ દસ્તાવેજ થયો હતો. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા આ જમીન ખરીદવામાં આવી હતી અને દોઢ વીઘા જગ્યા પેટે 4.90 લાખ રૂપિયા ચેક મારફતે વારસદારોને ચૂકવવામાં આવ્યા હતા.  જોકે કાચી નોંધ પડ્યા બાદ ગ્રામજનોને આ ઘટનાની ખબર પડી હતી. તો બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાથી તકરારી દાખલ કરાવવામાં  આવી છે અને તેના આધારે આગામી દિવસમાં તેની મુદત પણ રાખવામાં આવી છે. દહેગામ તાલુકાના ગામોમાં આ પ્રકારે બારોબાર ગામોની જગ્યાનો વેચાણ દસ્તાવેજ થઈ જવાની ઘટનાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલાઓને ગંભીરતાથી લઈને ગામોના રેકોર્ડ ચકાસવા પડશે.


7 વીઘા જમીન ઉપર 50 વર્ષ અગાઉ ઊભા થયેલા ગામની દોઢ વીઘા જમીનનો દસ્તાવેજ થતા તકરારી દાખલ થઈ
દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જમીનના વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને લઈ હાલ પોલીસ દ્વારા સાત જેટલા વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે દહેગામ તાલુકાના જ વધુ એક ગામમાં આ જ પ્રકારનો કિસ્સો બહાર આવવા પામ્યો છે. 

 દહેગામના સાપા ગ્રામ પંચાયત હસ્તકના પેટાપરા કાલીપુરા 50 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવ્યું હતું અને ધીરે ધીરે અહીં હાલ 35 જેટલા મકાનો છે તેમજ બે સરકારી બોર અને તમામ ગ્રામજનોને સરકારની અલગ અલગ સહાય પણ આપવામાં આવી રહી છે ત્યારે એક જ સર્વે નંબર ધરાવતા આ ગામમાં મૂળ માલિકના વારસદારો દ્વારા પોતાના ભાગની 1.5 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post