કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે જો ભાજપ સત્તા પર આવશે તો સમાન નાગરી સંહિતા (યુસીસી) અને વન નેશન, વન ઈલેક્શન (એક દેશ, એક ચૂંટણી)ને બધા જ સંબંધિતોની સાથેની ચર્ચા-વિચારણા બાદ આગામી પાંચ વર્ષમાં અમલી બનાવવામાં આવશે.
એક સમાચાર સંસ્થાને આપેલા લંબાણપૂર્વકના ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે આખા દેશમાં એકસાથે ચૂંટણી થાય એ માટેનો સમય આવી ગયો હોવાથી આગામી કાર્યકાળમાં વન નેશન, વન ઈલેક્શનને અમલી બનાવવામાં આવશે. એકસાથે ચૂંટણી કરવાથી ખર્ચમાં ઘટાડો થશે એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે એવો દાવો કર્યો હતો કે વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં ભાજપનો વિશાળ વિજય થશે, કેમ કે વડા પ્રધાન મોદીને માટે પોઝિટિવ મેન્ડેટ છે. તેમણે વિપક્ષની ચૂંટણી પંચ સંબંધી ટીકા બાબતે ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે પરાજય નજર સામે દેખાઈ રહ્યો હોવાથી તેઓ ઢાંકપિછોડો કરવા માટે ચૂંટણી પંચને બદનામ કરવાનું કાવતરું છે.
તેમણે એવો દાવો કર્યો હતો કે ચૂંટણી ઝુંબેશમાં ધર્મને આધારે પ્રચાર કર્યો નથી, પરંતુ મુસ્લિમ આરક્ષણ વિરુદ્ધ બોલવું, કલમ 370ને રદ કરવા માટે જનતા સુધી પહોંચવું તેમ જ સમાન નાગરી સંહિતાને અમલી બનાવવાની વાતો જો ધર્મને આધારે ચૂંટણી પ્રચાર ગણાતી હોય તો ભાજપ આવું અનેક વખત કરશે.
અત્યારે આકરા ઉનાળામાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે તેમણે શિયાળામાં ચૂંટણી કરાવવાના સવાલ પર કહ્યું હતું કે આના પર વિચાર કરવો આવશ્યક છે. અત્યારે વિદ્યાર્થીઓનું વેકેશન પણ હોય છે અને અન્ય અનેક સમસ્યાઓ સર્જાય છે. એક ચૂંટણી વહેલી કરવામાં આવે તો ચૂંટણી એ સમયમાં થઈ શકે. ધીરે-ધીરે ખસતી ખસતી આ ચૂંટણીઓ આ સમયમાં આવી છે.
સમાન નાગરી સંહિતા અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયાઓએ આપણી સંસદ અને રાજ્ય વિધાનસભાઓને માછે યુસીસીની જવાબદારી સોંપી છે. માર્ગદર્શક સિદ્ધાંતોમાં બધા જ રાજ્યોની વિધાનસભાઓ દ્વારા સમાન નાગરી સંહિતાને માન્યતા આપવી પડશે. ત્યારના બંધારણના ઘડવૈયાઓમાં કાનૂની નિષ્ણાતો જેમ કે કે. એમ. મુનશી, રાજેન્દ્ર બાબુ અને આંબેડકરજીએ કહ્યું હતું કે ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મને આધારે કાયદા ન હોવા જોઈએ, દેશમાં સમાન નાગરી સંહિતા હોવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે ભાજપે ઉત્તરાખંડમાં જ્યાં તેમની બહુમતીની સરકાર છે ત્યાં એક પ્રયોગ કર્યો છે. આ રાજ્ય અને કેન્દ્રનો સંયુક્ત પ્રશ્ર્ન હોવાથી જ્યારે મોટા ભાગની સરકારો તેને મંજૂરી આપશે ત્યારે કાયદો તૈયાર થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સમાન નાગરી સંહિતા ભાજપના એજેન્ડા પર 1950થી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં દેશમાંથી નક્સલવાદની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે છત્તીસગઢના કેટલાક નાના પોકેટને બાદ કરતાં આખો દેશ નક્સલવાદના દૂષણથી મુક્ત થઈ ગયો છે.
તેમણે જમ્મુ અને કાશ્મીરમાં સફળ મતદાનને મોદી સરકારની કાશ્મીર નીતિનો વિજય ગણાવતાં કહ્યું હતું કે અલગતાવાદીઓએ પણ આ વખતે ચૂંટણીમાં હિસ્સો લીધો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે 30 સપ્ટેમ્બર પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590