Latest News

c-VIGIL ઍપ થકી ચૂંટણી પ્રક્રિયામાં મતદારો બની રહ્યા છે ચૂંટણી પંચના સક્રિય સાથીદાર

Proud Tapi 02 Apr, 2024 02:32 PM ગુજરાત

પોતાના સ્માર્ટ ફોનમાં c-VIGIL ઍપ ડાઉનલોડ કરી કોઈ પણ નાગરિક આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન, ચૂંટણીઓ દરમિયાન ધાક ધમકી કે પ્રલોભનો સહિતના અનૈતિક આચરણ અંગે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકે છે

લોકતાંત્રિક પ્રક્રિયાનો આધાર એટલે ચૂંટણી.સમાજના તમામ વર્ગોને સમાન તક સુનિશ્ચિત કરવા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સર્વસમાવેશી બનાવવા ભારતના ચૂંટણી પંચ દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે ચૂંટણીમાં મતદારની ભૂમિકા માત્ર મતાધિકારના ઉપયોગ પૂરતી જ નથી રહી. આદર્શ લોકશાહીના પ્રહરી તરીકે તટસ્થ અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનમાં જાગૃત મતદારો ભારતના ચૂંટણી પંચના સહયોગી પણ બની રહ્યા છે.

કોઈ પણ જાતના પ્રલોભન, ધાક-ધમકી કે અનૈતિક આચરણ વગર શાંતિપૂર્ણ વાતવરણમાં સંપન્ન થતી ચૂંટણીઓ, એ તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ છે. આદર્શ આચાર સંહિતાનું સુચારૂપણે પાલન થાય અને નૈતિકતાપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા અનેક પ્રયાસો પૈકી IT પહેલના ભાગરૂપે, c-VIGIL મોબાઈલ ઍપ્લિકેશન વિકસાવવામાં આવી છે. જે મુખ્ય નિર્વાચન અધિકારીથી લઈ મતદાર સુધીના સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ વ્યક્તિઓને સાંકળી લઈ, આદર્શ આચાર સંહિતાના કેસોનો ત્વરિત નિકાલ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ પુરવાર થઈ રહી છે.

ગત ચૂંટણીઓમાં c-VIGIL ઍપ દ્વારા મળેલી ફરિયાદોની વિગતો જોઈએ તો એ સ્પષ્ટ થશે કે ભારતના ચૂંટણી પંચના તટસ્થ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ યોજવાના નિષ્ઠાપૂર્ણ પ્રયાસોમાં, જાગૃત નાગરિકો પણ મોટી સંખ્યામાં સહભાગી થઈ રહ્યા છે. 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં c-VIGIL એપ મારફત ૫,૯૧૫ ફરિયાદો મળી હતી. જે પૈકી ૪,૭૦૬ ફરિયાદોનો ચૂંટણી તંત્ર દ્વારા ૧૦૦ મિનિટ કરતાં ઓછા સમયમાં યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. c-VIGIL એપ પર મળેલી કુલ ફરિયાદો સામે સરેરાશ માત્ર ૩૮ મિનિટ જેટલા ટૂંકા સમય ગાળામાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ચૂંટણીની જાહેરાતથી તા.૧ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં c-VIGIL એપ મારફત ૮૧૪ ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોનો યોગ્ય અને ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે. c-VIGIL ઍપ મારફત મળેલી ૮૧૪ ફરિયાદોમાંથી ૫૯૨ જેટલી ફરિયાદોનો ચૂંટણી તંત્ર દ્વારા ૧૦૦ મિનિટ કરતાં ઓછા સમયમાં નિકાલ કરવામાં આવ્યો છે.

c-VIGIL થકી આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનના કેસોના સફળ નિકાલ પાછળ મુખ્યત્વે ત્રણ વિશેષતાઓ મહત્વની છે. સૌથી પહેલા તો, c-VIGIL દ્વારા ચૂંટણી સંબંધિત કથિત ઉલ્લંઘનના ઍપ્લિકેશનથી જ રિયલ ટાઈમ ફોટા કે વીડિયો લેવાના રહે છે. એટલે કે ઍપ્લિકેશન દ્વારા લેવામાં આવેલા ફોટો કે વીડિયો સિવાય ફોન ગેલેરીમાંથી તે અપલોડ કરી શકાતા નથી. એટલે, c-VIGIL દ્વારા મળેલી ફરિયાદ અંગેના પુરાવાની સત્યતા સ્વયંસિદ્ધ હોય છે, જેના કારણે ફરિયાદની તપાસ પાછળ થતો સમયનો બિનજરૂરી વ્યય અટકે છે. બીજું કે, c-VIGIL દ્વારા લેવામાં આવેલા ફોટો કે વીડિયો પુરાવા ઑટોમેટીકલી Geotag થાય છે. જેથી ફરિયાદમાં દર્શાવવામાં આવેલા સ્થળની ખરાઈ થઈ શકવાની સાથે ફ્લાઈંગ સ્કવોર્ડને તે સ્થળ પર ઝડપથી પહોંચવામાં મદદ મળે છે.

C-VIGIL ની સૌથી ઉત્કૃષ્ટ બાબત રિસ્પોન્સ ટાઈમ એટલે કે ફરિયાદના નિકાલ માટેની સમય મર્યાદા છે. c-VIGIL પર મળેલી ફરિયાદોનો ચૂંટણી તંત્ર દ્વારા માત્ર ૧૦૦ મિનિટમાં યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ફરિયાદના સ્થળથી એકદમ નજીકની ચૂંટણી પંચની ફલાઈંગ સ્ક્વોડ ૧૫ મિનિટની અંદર ફરિયાદ સ્વીકારે છે, અથવા સંબંધિત તંત્રને સૂચના આપે છે. ત્યાર પછીની ૩૦ મિનિટમાં પ્રારંભિક તપાસ પૂર્ણ કરવામાં આવે છે, અને ત્યાર પછીની ૫૦ મિનિટમાં સક્ષમ અધિકારી દ્વારા કેસનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. વળી c-VIGIL ઍપ થકી ફરિયાદ મળવાના કારણે ફરિયાદ સંબંધી સંપૂર્ણ પ્રક્રિયા પેપરલેસ છે.

પોતાના સ્માર્ટ ફોનમાં c-VIGIL ઍપ ડાઉન લોડ કરી કોઈ પણ નાગરિક આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન, ચૂંટણીઓ દરમિયાન ધાક-ધમકી કે પ્રલોભનો સહિતના અનૈતિક આચરણ અને ચૂંટણી ખર્ચ મર્યાદાના ઉલ્લંઘન અંગે પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકે છે. પોતાની ઓળખ જાહેર કરનાર નાગરિકો તેમણે કરેલી ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકે તેવી સુવિધા c-VIGIL ઍપમાં આપવામાં આવી છે. જો કે, પોતાની ઓળખ છતી ન કરવા માંગતા નાગરિકો પણ ફરિયાદ કરી શકે છે, અને તે ફરિયાદો પર પણ નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી કરવામાં આવે છે.

વીતતા સમય સાથે લોકતંત્રમાં ભારતના ચૂંટણી પંચના આદર્શ ચૂંટણીઓ યોજવાના પ્રયાસો અને સુલભ ચૂંટણી સંચાલનમાં મતદારોની ભાગીદારી વધી છે. જેમાં સમયસર અને અસરકારક પગલાં લેવાની c-VIGIL ની ક્ષમતાએ મતદારોમાં અડગ વિશ્વસનીયતા કેળવી છે.

c-VIGIL ઍપ થકી કઈ રીતે કરવામાં આવે છે ફરિયાદોનો નિકાલ ?

c-VIGIL ઍપ પર જાગૃત મતદાર દ્વારા ફોટો કે વીડિયો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવે છે. (ઍપ દ્વારા ફોટો કે વીડિયો પુરાવા લીધાની ૧૫ મીનિટમાં ફરિયાદની વિગત દાખલ કરવાની રહેશે)

ઍપ્લિકેશન આ ફરિયાદનું યુનિક આઈ-ડી દર્શાવશે. આ ફરિયાદ જિલ્લાના કંટ્રોલ રૂમમાં મળે છે

કંટ્રોલ રૂમથી ફ્લાઈંડ સ્ક્વોર્ડ કે સ્ટેટીક સર્વેલન્સ ટીમ જેવા ફિલ્ડ યુનિટને જાણ કરવામાં આવે છે. ફિલ્ડ યુનિટ ફરિયાદ અંગેની તપાસનો ઑન લાઈન રિપોર્ટ ફાઈલ કરે છે. આ રિપોર્ટ રિટર્નિંગ ઑફિસરને મળે છે.

જો ફરિયાદ સાચી પુરવાર થાય તો રિટર્નિંગ ઑફિસર દ્વારા ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.


કેવા કિસ્સાઓમાં c-VIGIL દ્વારા કરી શકાય છે ફરિયાદ ?

પૈસા, ગિફ્ટ/કુપન કે દારૂની વહેંચણી,
મંજૂરી વગર લગાવવામાં આવેલા પોસ્ટર્સ/બેનર્સ,
હથિયારોનું પ્રદર્શન અને ધાક-ધમકી,
મંજૂરી વગર વાહન કે કોન્વોયનો ઉપયોગ, 
પેઈડ ન્યુઝ,
મતદાનના દિવસે રાજકીય પક્ષો દ્વારા મતદારોનું પરિવહન,
મતદાન મથકના ૨૦૦ મીટર અંદર પ્રચાર,
પ્રચાર પર પ્રતિબંધના સમય ગાળામાં પ્રચાર,
ધાર્મિક-સાંપ્રદાયિક ભાષણો અને સંદેશાઓ,
અનુમતિ સમય સિવાય સ્પીકરનો ઉપયોગ, 
ફરજીયાત ઘોષણાપત્ર વગર પોસ્ટર્સ,

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post