Latest News

પોષણ માસમાં સામાજિક દાયિત્વ નિભાવતું વર્લ્ડ વિઝન ઇન્ડિયા

Proud Tapi 20 Sep, 2023 11:01 AM ગુજરાત

દેશ આખામાં પોષણ માસ ઉજવીને,સ્વસ્થ ભારતના નિર્માણની આહલેક જગાવતા વડાપ્રધાનશ્રીના લક્ષ્યની પૂર્તિ માટે, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ પણ તેમનું યોગદાન આપી રહી છે. ડાંગ જિલ્લાના દગડી આંબા ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળના બરડા ગામની આંગણવાડીમાં, કેટલાક મરામતના કામોની આવશ્યકતા વર્તાતી હતી.જેમાં ICDS દ્વારા દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સેવાભાવી સંસ્થાઓને સહયોગી બનવાની અપીલ કરવામાં આવી હતી. જેને ઝીલી લેતા વઘઇ તાલુકામાં સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા વર્લ્ડ વિઝન ઇન્ડિયાએ, સામાજિક દાયિત્વની તક ઝડપી લીધી હતી. વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા બરડા ગામની આ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ, તુરત જ જરૂરી સમારકામ હાથ ધરી બાંધકામ પૂર્ણ કર્યું હતું. પોષણ માસની ઉજવણી અંતર્ગત તાજેતરમાં જ, બરડા ગામની સમારકામ કરેલી આ આંગણવાડી કેન્દ્ર નું ICDS દ્વારા ઉદ્દઘાટન કરાયું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે આ સંસ્થા વર્લ્ડ વિઝન ઈન્ડિયાને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના મેનેજર શ્રી પ્રસન્ના આર., તેમની ટીમ, આઇ.સી.ડી.એસ.ના સુપરવાઈઝર પ્રિયંકાબેન, આંગણવાડી વર્કર અનસુયાબેન, શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ, સરપંચ અને સભ્ય સહિત ગામના આગેવાનો, ગામની ધાત્રી અને સગર્ભા માતાઓ, તથા આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


દરમિયાન મહાનુભાવોએ બાળકોના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ કેળવી, ગામનું એક પણ બાળક કુપોષિત ના રહે, તે માટે શપથ ગ્રહણ કર્યા હતા.ગ્રામજનો તથા આઈ.સી.ડી. એસ. વિભાગે સંસ્થાની સેવાભાવનાને બિરદાવી, અન્યો માટે પ્રેરણારૂપ બનેલી સંસ્થાના સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post