Latest News

જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા ભરૂચની આગવી ઓળખ સમાન સુજની સાથે સંકળાયેલા કારીગરોની શુભેચ્છા મુલાકાત લીધી

Proud Tapi 04 Mar, 2023 06:00 AM ગુજરાત

ભરૂચની આગવી ઓળખ સમાન વિશ્વ વિખ્યાત સુજનીની કળા સાથે સંકળાયેલા પરિવારોની જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા સૌ પ્રથમ મૃત:પ્રાય થવાના આરે આવેલ આ વણાટકામ ની અનોખી કલા ને પુન:ર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ “પ્રોજેકટ રોશની” હેઠળ અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયાસો અને તેના પરિણામો ની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સુજની વણવાની તાલીમ આપી તેમના માટે રોજગારીની નવીન તક આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમ કેન્દ્ર “રેવા સુજની કેન્દ્ર”ની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.

 આ ઉપરાંત સુજની વણાટકામ સાથે સંકળાયેલા તમામ કારીગર પરિવારના સભ્યો સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના આ ક્ષેત્રમાં વર્તમાન સમસ્યાઓ અને કલાને પુન:ર્જીવિત કરવા માટે તેમના પોતાના અભિપ્રાયો જાણ્યા અને તેના સમાધાન સ્વરૂપે “પ્રોજેકટ રોશની”માં તેના ઉપાયો અને મદદની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં કલેકટરે  આ કામ સાથે સંકળાયેલ હયાત સુજની વણાટકામ કરતાં માલીવાડ ખાતે રહેતા રફીક સુજનીવાલા અને ફાટા તળાવ પાસે રહેતા મુઝક્કીર સુજની વાલાની ઘરે હાથશાળ ની રૂબરૂ મુલાકાત લઈ આ વણાટકામની બારીકાઈ અને ખાસિયતોની જાણકારી લીધી અને સ્વયં હાથશાળ બેસી સુજની પર હાથ અજમાવી અનુભવ કર્યો. તેમના દ્વારા ભરૂચની આ અસ્મિતા સ્વરૂપ ૧૫૦ થી ૨૦૦ વર્ષ જૂની કલાને બચાવવા સુજનીવાલા પરિવાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની કલેકટરે  પ્રશંસા કરીને ભરૂચની સુજનીને વૈશ્વિક ફલક પર પહોંચાડવા પૂર્ણ સહયોગ ની ખાત્રી આપવામાં આવી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર જીગર દવે, કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય મહાત્મા ગાંધી નેશનલ ફેલો નિરવકુમાર સંચાણીયા,સામાજિક અગ્રણીઓ જેવા કે, રિઝવાના જમીનદાર, પીલુ જીનવાલા,અર્ચના પટેલ, પૂનમ શેઠ,રીટા દવે અને સુજની વણાટકામ તથા સુજની વણાટકામ સાથે સંકળાયેલ અન્ય મહાનુભાવો સાથે રહ્યા હતા.

શું છે “પ્રોજેકટ રોશની” ?
 પ્રોજેક્ટ રોશની અંતર્ગત ભરૂચની અસ્મિતા સમાન સુજની ને પુન:ર્જીવિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો સ્તુત્ય પ્રયાસ છે. જે અંતર્ગત સુજની બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કારીગરોની માળખાકિય સુવિધા પૂરી પાડીને તેમના જીવન ધોરણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો ઉમદા આશય છે. “પ્રોજેકટ રોશની” અંતર્ગત નીચેના આયામો આવરી લેવાશે:-  યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપીને તેમને આર્થિક રીતે પગભર કરવાનો આશય છે  સુજનીના વ્યવસાય સાથે સંકળાયેલ પાયાની સમસ્યાઓ ને ઓળખીને તેને દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ છે  સુજની બનાવવાથી લઈને વેચવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ પરિબળોમાં સહાય કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો સરહાનિય પ્રયત્ન છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post