Latest News

વડાપ્રધાન મોદીના સુરત ખાતેના કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

Proud Tapi 27 Feb, 2025 10:22 AM ગુજરાત

વડાપ્રધાનશ્રીના હસ્તે સુરત શહેર-જિલ્લાના બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ આપવાનો પ્રારંભ થશે 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૭મી માર્ચના રોજ સુરતના આંગણે સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે જેના આયોજન અર્થે સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.  
  
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં કલેકટરશ્રીએ લાભાર્થીઓને લાવવા માટેના બસના રૂટની વ્યવસ્થા, કંટ્રોલ રૂમ, પાર્કિંગ તથા અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.    
  
સુરત શહેરના લિંબાયત વિસ્તારના નિલગીરી મેદાન ખાતે યોજાનારા કાર્યક્રમમાં સુરત શહેર-જિલ્લાના ૫૦ હજારથી વધુ ગંગા સ્વરૂપ બહેનો, વૃધ્ધ વ્યકિતઓ તથા દિવ્યાંગવ્યકિતઓને અગ્રતા ધરાવતા કુટુંબો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે, આ ૫૦ હજાર લાભાર્થીઓના કુટુંબના ચાર વ્યકિતઓ મળી અંદાજે ૨ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામુલ્યે અનાજ આપવાનો પ્રારંભ થશે. વહીવટીતંત્ર દ્વારા સુરત શહેર-જિલ્લામાં વસતા વૃધ્ધો, વિધવા બહેનો અને દિવ્યાંગ સહાય મેળવતા ૫૦ હજાર પરિવારોના રેશનકાર્ડને સીધા એન.એફ.એસ.એ.માં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અવસરે વડાપ્રધાનશ્રીના હસ્તે ૧૫ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. આ સાથે માર્ચ મહિનાથી ૫૦ હજાર પરિવારોને એન.એફ.એસ.એ. અંતર્ગત દર મહિને અનાજ મળતુ થઈ જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીશ્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાનશ્રીના આગમન પહેલા તંત્ર દ્વારા મંડપ, રૂટ તથા હેલીપેડ સહિતની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કાર્યક્રમના સ્થળે મંડપમાં લોકો વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી શકે તે માટે ઝીકઝેક પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  

આ બેઠકમાં સાંસદશ્રી મુકેશ દલાલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલ, ધારાસભ્યસર્વશ્રી સંદિપ દેસાઈ, પૂર્ણેશભાઈ મોદી, વિનુભાઇ મોરડીયા, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડી.ડી.શાહ તથા અન્ય પદાધિકારીઓ, પ્રાંતશ્રીઓ, અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post