એ.ટી.એમ. સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયેલા યુવકને પૈસા કાઢી આપવાનું કહી બે ભેજાબાજોએ તેનું કાર્ડ પોતાની પાસે રાખી લઇ અન્ય કાર્ડ તેને પધરાવી દીધું હતું. ત્યારબાદ બંને ભેજાબાજોએ યુવકના એકાઉન્ટમાંથી 1.99 લાખ ઉપાડી લીધા હતા. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોલાબારા પાસે વિવાહ પાર્ટી પ્લોટ સામે પ્રકૃતિ આર્યામાં રહેતા મિલીંદ ભાસ્કરરાવ દેવપુરકરે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું પ્રકૃતિ હાર્મોનિની સાઇટ પર એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરૂં છું. ગત તા. 01-08-2024ના રોજ મારે 10 હજારની જરૂર હોવાથી સનફાર્મા રોડ પર આવેલા એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં ગયો હતો. મેં બે થી ત્રણ વખત એ.ટી.એમ.માં કાર્ડ નાંખી પૈસા ઉપાડવાની કોશિશ કરી હતી. પરંતુ, રૂપિયા ઉપડયા નહતા. એ.ટી.એમ. કેબિનમાં અન્ય બે વ્યક્તિઓ ઉભી હતી. તેઓએ મને જણાવ્યું કે, તમારૂં કાર્ડ લાવો અમે તમને રૂપિયા ઉપાડી આપીએ છીએ. તેઓને મેં મારૂં કાર્ડ આપ્યું હતું. તેઓએ કાર્ડ મશીનમાં નાંખી મારો આપેલો પિન નંબર લઇ પ્રોસેસ કરી હતી. ત્યારબાદ તેઓએ કહ્યું કે, તમારા રૂપિયા ઉપડતા નથી. તેઓએ મને કાર્ડ આપી દેતા હું ઘરે જતો રહ્યો હતો. થોડીવાર પછી મારા મોબાઇલ પર 99,856 અને 99,852 રૂપિયાના બે ટ્રાન્જેક્શનના મેસેજ આવ્યા હતા. મેં મારી પાસેનું એ.ટી.એમ. કાર્ડ ચેક કરતા તે કાર્ડ અન્ય કોઇનું હતું. આરોપીઓએ મને વાતોમાં પરોવી મારૂં એ.ટી.એમ. કાર્ડ લઇ અન્ય વ્યક્તિનું કાર્ડ આપી દીધું હતું. જે.પી.રોડ પોલીસે એ.ટી.એમ. સેન્ટરમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590