Latest News

કુકરમુંડાના મટાવલ ચેકપોસ્ટ પરથી પશુ ક્રૂરતાનો પર્દાફાશ, ૬.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત , બે ઈસમ ઝડપાયા

Proud Tapi 25 May, 2025 12:25 PM ગુજરાત


તાપી જિલ્લામાં પશુઓની ગેરકાયદેસર અને અમાનવીય હેરાફેરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કુકરમુંડા પોલીસે બાતમીના આધારે મટાવલ ચેકપોસ્ટ પરથી એક બોલેરો પીકઅપ વાહનને આંતરી, તેમાંથી પાંચ ભેંસોને અત્યંત ખીચોખીચ ભરીને મહારાષ્ટ્ર તરફ લઈ જતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગુનામાં કુલ ₹૬,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી, પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર હેરાફેરીના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના ગત શનિવાર, ૨૪ મે, ૨૦૨૫ ના રોજ રાત્રિના સમય  દરમિયાન બની હતી. કુકરમુંડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સબીરખાન આલમખાન બેલીમ અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, MH-05-BH-5110 નંબરની બોલેરો પીકઅપ ગાડીમાં ભેંસો ભરીને પસાર થવાની છે.

આ બાતમીના આધારે પોલીસે મટાવલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. થોડીવારમાં બાતમીવાળો બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને રોક્યો હતો. તપાસ કરતા વાહનના પાછળના ભાગે ૦૫ ભેંસોને ખીચોખીચ ભરેલી મળી હતી.

પોલીસે વાહનચાલક જાવિદભાઈ સલીમભાઈ કુરેશી (ઉંમર ૪૦, રહે. કુરેશી મહોલ્લા, તલોદા, જી. નંદુરબાર) અને તેની સાથેના ઈસમ નજીમખા સલીમખા કુરેશી (ઉંમર ૩૦, રહે. બદરી કોલોની, તલોદા, જી. નંદુરબાર) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ આ ભેંસોને સાતોલા ગામ, તા. તલોદા, જી. નંદુરબારથી મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા ખાતે ભરાતા મીના બજાર માર્કેટમાં વેચાણ અર્થે લઈ જઈ રહ્યા હતા.

આરોપીઓ પાસે ભેંસોના વહન માટે કોઈ માન્ય પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસરનું પ્રમાણપત્ર નહોતું. ભેંસોને બિનજરૂરી દુઃખ કે દર્દ ભોગવવું પડે તેવી રીતે, વાહનમાં હલનચલન માટે વ્યાજબી મોકળાશ વિના, ટૂંકા દોરડા વડે બાંધી, ઘાસચારાનો ખોરાક, પાણી કે પ્રાથમિક સારવારના સાધનો વિના હેરાફેરી કરવામાં આવી રહી હતી.

પોલીસે ૦૫ ભેંસો (આશરે કિંમત ₹૯૦,૦૦૦/-), બોલેરો પીકઅપ વાહન (કિંમત ₹૫,૦૦,૦૦૦/-), અને બે મોબાઈલ ફોન (કિંમત ₹૨૦,૦૦૦/-) મળી કુલ ₹૬,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર (નિયંત્રણ) અધિનિયમ, ગુજરાત રાજ્ય પશુ પ્રાણી (હેરફેર નિયંત્રણ) હુકમ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ ઇલેવન્થ એમેડમેન્ટ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુકરમુંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ વિક્રમસિંહ જાડેજા આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post