Latest News

રાજ્ય સરકારનો હીરા ઉદ્યોગને હાથ: રત્નકલાકારો અને એકમો માટે ખાસ સહાય પેકેજ જાહેર

Proud Tapi 26 May, 2025 03:17 AM ગુજરાત

આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે, જેની જાહેરાત ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે કરી હતી.

આર્થિક સ્થિરતા માટે મહત્વનું પગલું
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "આ સહાય પેકેજ રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા તથા ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે એક મહત્વનું પગલું છે." આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, અને સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે વિશેષ સહાય
અસરગ્રસ્ત રત્નકલાકારોના બાળકોના શિક્ષણ પર કોઈ અસર ન પડે તે માટે સરકારે ખાસ નિર્ણય લીધો છે. બાળકોની શાળાની ફીના ૧૦૦% લેખે, બાળક દીઠ મહત્તમ ₹૧૩,૫૦૦ ની મર્યાદામાં એક વર્ષ માટે ફી ચૂકવણી કરવામાં આવશે. આ સહાય સીધા (DBT) દ્વારા શાળાઓને ચૂકવાશે.

સહાય માટેની પાત્રતા:

૩૧ માર્ચ, ૨૦૨૪ બાદ રોજગાર ગુમાવનાર રત્ન કલાકાર.
ઉંમર ૨૧ વર્ષથી વધુ.
ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી હીરા ઉદ્યોગમાં કામગીરી કરેલી હોય.
હાલમાં હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોય.
અરજી આ પેકેજની જાહેરાતથી ૨ માસની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે કરવાની રહેશે, જેમાં જરૂરી પ્રમાણપત્રો અને ભલામણપત્રો જોડવાના રહેશે.

હીરા ઉદ્યોગના એકમો માટે રાહત
એકમોની સ્થિરતા માટે પણ સરકારે ખાસ સહાય જાહેર કરી છે:

વ્યાજ સહાય: ટર્મ લોનની મહત્તમ ₹૫ લાખની મૂડી ઉપર ૯% ના દરે ત્રણ વર્ષ (૦૧/૦૭/૨૦૨૫ થી ૩૦/૦૬/૨૦૨૮) સુધી વ્યાજ સહાય અપાશે.
વીજળી ડ્યૂટીમાં મુક્તિ: ૦૧/૦૭/૨૦૨૫ થી એક વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં મુક્તિ અપાશે.
એકમો માટે પાત્રતા:

સૂક્ષ્મ એકમો (પ્લાન્ટ અને મશીનરીમાં ₹૨.૫ કરોડ સુધીનું મૂડીરોકાણ).
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫) દરમિયાન હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ.
ગત વર્ષ (૨૦૨૩-૨૪)ની સરખામણીએ વીજ વપરાશમાં ૨૫% અથવા તેથી વધુ ઘટાડો નોંધાયો હોય.
૩૧ માર્ચ, ૨૦૨૫ પહેલાં ઉદ્યમ રજિસ્ટ્રેશન મેળવેલું હોવું જોઈશે.

આ સહાય મેળવવા ઇચ્છુક એકમોએ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી એક માસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે. અરજીઓની મંજૂરી માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક સમિતિનું ગઠન કરાશે, જે દર મહિને ઓછામાં ઓછી બે વખત મળશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post