તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસે રવિવારે વહેલી સવારે ટામેટાંના કેરેટની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને તેને લઈ જવામાં વપરાયેલું મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન સહિત કુલ ₹9,57,576/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, પિશાવર પોલીસ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી (નંબર MP-12-GA-1581) ને રોકતાં, તેમાં પ્લાસ્ટિકના કેરેટમાં સડેલા ટામેટાં ભરેલા જણાયા હતા. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં, ટામેટાંની નીચેથી જુદી જુદી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.
આ કાર્યવાહીમાં રાજસ્થાનના બે આરોપીઓ, શ્યામલાલ બગદીરામજી ભીલ (ઉંમર ૩૧) અને ભરતભાઈ જગનનાથ માલી (ઉંમર ૩૫) ની ધરપકડ કરવામાં આવી છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે રાજુ ઉર્ફે નરેશજી મોચી (રહે. ઉદેપુર) નામના વ્યક્તિએ તેમને ઇન્દોર બાયપાસ રોડ પરથી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. રાજુ ઉર્ફે નરેશજી મોચી સ્વીફ્ટ ગાડીમાં (નંબર MP-12-2641) પાયલોટિંગ કરીને રસ્તાની માહિતી આપતો હતો. રાજુ ઉર્ફે નરેશજી મોચી હાલ વોન્ટેડ છે.
પોલીસે ઘટના સ્થળેથી કુલ ₹4,52,076/- નો દારૂ, ₹5,00,000/- ની બોલેરો પીકઅપ ગાડી, અને ₹5,500/- ના બે મોબાઈલ ફોન સહિત કુલ ₹9,57,576/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ ભરેલી ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી હતી અને એન્જિન તથા ચેસિસ નંબરમાં ફેરફાર કરીને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે. કુકરમુંડા પોલીસે પ્રોહી. એક્ટ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590