Latest News

પાંડેસરા GIDCની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ક્લોરિન ગેસ લિકેજ: ૩૭ મિનિટમાં ગેસ લિકેજ પર મેળવાયો કાબુ

Proud Tapi 12 Feb, 2025 10:52 AM ગુજરાત


કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝમાં ઓફસાઈટ ઈમરજન્સી સ્થિતિમાં સતર્કતા અંગે મોકડ્રીલ યોજાઈ

‘સુરત શહેરના પાંડેસરા GIDC સ્થિત કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ક્લોરિન ગેસ લિકેજ થતા નાસભાગ થઈ હતી. ૩૭ મિનિટની જહેમત બાદ ગેસ લિકેજ પર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા મળી હતી.’ ખરેખર આવી કોઈ દુર્ઘટના બની ન હતી, પરંતુ સુરત શહેર-જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝ, GIDCઓમાં આગ જેવી મોટી ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી પાંડેસરા GIDCની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ ખાતે કલોરીન લિકેજ થવાના બનાવ અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી.  
             
કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના પાર્કિંગ એરિયામાં સવારે ૧૧.૩૨ વાગે અચાનક ક્લોરિન ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાંથી ગેસ લિકેજ થયો હતો. કંપનીના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. કંપનીના ફાયર અને સેફટી ઓફિસરોએ લિકેજ અટકાવવા પ્રયાસો કર્યા હતા પણ લિકેજ કાબુમાં ન આવતા ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૧.૫૦ વાગ્યે ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. કોલ મળતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. 
             
લોકલ ક્રાઈસીસ ગ્રુપના ચેરમેન અને પ્રાંત અધિકારીશ્રી અધિકારી(દક્ષિણ) વિક્રમ ભંડારીના માર્ગદર્શન હેઠળ પોલીસ, ફાયર ટીમ, આરોગ્ય, જીપીસીબીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને ઇમરજન્સી કંટ્રોલરૂમ શરૂ કરી લિકેજ પર કાબુ મેળવવા, બચાવ અને માર્ગદર્શન માટે સંકલિત પ્રયાસો શરૂ કર્યા હતા. ગેસની અસર થતા ચાર ઈજાગ્રસ્તોને સ્થળ પરથી રેસ્ક્યુ કરીને સારવાર અપાઈ હતી, જે પૈકી એક વ્યક્તિને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. 
            
મોકડ્રીલ બાદ ડી બ્રિફીંગ બેઠકમાં પ્રાંત અધિકારી(દક્ષિણ) શ્રી વિક્રમ ભંડારીએ જણાવ્યું કે, સેંકડો કેમિકલ કંપનીઓ જ્યાં આવેલી છે એ પાંડેસરા GIDC ઔદ્યોગિક વિસ્તારમાં નાના-મોટા હેઝાર્ડસની સંભાવના વધુ રહે છે. જેથી કોઈપણ દુર્ઘટના બને ત્યારે સતર્કતા સાથે પાણી પહેલા પાળ બાંધી શકાય, દુર્ઘટના સમયે ન્યૂનત્તમ નુકસાન, જાનહાનિ થાય તેમજ સુરક્ષા, બચાવ-રેસ્ક્યુના આગોતરા પગલા લઈ શકાય એ માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઓછા ક્વિક રિસ્પોન્સ ટાઈમમાં બચાવ-રેસ્ક્યુ વર્ક શરૂ થવા પર ભાર મૂકી દરેક કારખાનાઓમાં મેનેજમેન્ટ તેમજ નિરીક્ષકો દ્વારા મોકડ્રીલમાં રહી ગયેલી ક્ષતિઓનું પુનરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા તેમણે જણાવ્યું હતું.

લોકલ ક્રાઈસીસ ગ્રુપ આયોજિત આ મોકડ્રીલમાં જી.પી.સી.બી.-સુરતના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાબેન ઓઝા, ઉધના મામલતદાર આશિષ નાયક, ફેક્ટરી મેનેજર પંકજ ગાંધી, સેફ્ટી હેડ પરેશભાઈ, કલરટેક્ષના ડિરેક્ટરો મહેશભાઈ અને પ્રવિણભાઈ કબુતરવાલા, જિલ્લા ડિઝાસ્ટરના સભ્યો, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ, આર.ટી.ઓ, પોલીસ જવાનો, ટ્રાફિક પોલીસ, ફાયર અને ઈમરજન્સી સેવાના સ્થાનિક તંત્રના અધિકારીઓ સહિત લોકલ ક્રાઈસીસ ગ્રુપના અન્ય સભ્યો અને કંપનીના અધિકારી-કર્મચારીઓએ મોકડ્રીલને સફળ બનાવી હતી. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post